બંગાળની ખાડીમાં કુદરતનો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આગળ વધી રહેલું અરનાબ વાવાઝોડું હવે ગંભીર સ્વરૂપ પકડી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને તેની આસપાસની પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર બનેલું આ સિસ્ટમ હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું સોમવારની મધ્યરાત્રિ સુધીમાં એક સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ અને 27 ઓક્ટોબર સુધીમાં અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી લે તેવી પૂરી શક્યતા છે. તે 28 ઓક્ટોબરના રોજ સવારના અરસામાં બાપાટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે, જે દરમિયાન પવનની ઝડપ પ્રતિ કલાક 115 થી 125 કિલોમીટર અને ક્યારેક તે 140 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયుడుએ તાત્કાલિક હાઈ-લેવલ મીટિંગ યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રાહત અને બચાવ કામગીરીમાં જરાય શિથિલતા કે વિલંબ ચલાવી લેવામાં નહીં આવે. દરિયાકાંઠાના વિસ્તારોમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે અને દર 4 કલાકે જનતા માટે સાયક્લોન બુલેટિન જારી કરવા સૂચના અપાઈ છે. મુખ્યમંત્રીએ ખાસ કરીને ટકોર કરી છે કે એક પણ નાગરિકનો જીવ ન જોખમાવવો જોઈએ અને સંપત્તિનું નુકસાન ઓછામાં ઓછું થાય તેવું આયોજન કરવું. દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને તમામ ફિશિંગ બોટ પાછી બોલાવી લેવાઈ છે. આ ઉપરાંત, કોઈ ઈમરજન્સી ઊભી થાય તો સગર્ભા મહિલાઓને અગાઉથી જ હોસ્પિટલમા શિફ્ટ કરી દેવાઈ છે જેથી પરિવહનમાં મુશ્કેલી ન સર્જાય.
લોકોની સુરક્ષા માટે સરકારે કમર કસી લીધી છે. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 10 અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 11 મળીને કુલ 21 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 27 અને 28 ઓક્ટોબરે ઉત્તર આંધ્ર અને મધ્ય કોસ્ટલ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે. તંત્ર દ્વારા નાગરિકોને અફવાથી દૂર રહેવા અને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
