ઈઝરાઈલમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તેવામાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈઝરાઈલના લાંબા સમયથી PM રહેલા બેન્જામિન નેતૃન્યાહુની પીઠ થાબડી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાંબી પોસ્ટ મૂકીને નેતૃન્યાહુને 'આઉટસ્ટેન્ડિંગ વોરિયર પ્રાઇમ મિનિસ્ટર' ગણાવ્યા છે. ટ્રમ્પે ઈઝરાઈલની જનતાને અપીલ કરી છે કે જ્યારે તમે વોટ આપવા જાઓ ત્યારે યાદ રાખજો કે બિબી (નેતૃન્યાહુનું હુલામણું નામ) એ એક શાનદાર યોદ્ધા જેવા વડાપ્રધાન સાબિત થયા છે અને આપણે સાથે મળીને શરૂ કરેલું કામ હવે પૂરું કરવાનું બાકી છે.
ટ્રમ્પે ઈરાન સામેની સંયુક્ત લડાઈનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અમે બંને સાથે મળીને દુશ્મનો સામે જીત મેળવી છે. ટ્રમ્પે ઈરાન સાથેના ઓપરેશન્સની વાત કરતા દાવો કર્યો કે અમેરિકા અને ઈઝરાઈલની સંયુક્ત કાર્યવાહીથી ઈરાનની મિલિટરી તાકાત ધૂળધાણી થઈ ગઈ છે. ટ્રમ્પે લખ્યું કે ઈરાન પાસે હવે કોઈ નેવી કે એરફોર્સ બચ્યું નથી, તેમની ઈકોનોમી અને મિલિટરી બંનેની હાલત ખરાબ છે અને મોંઘવારી પણ 301 ટકા સુધી પહોંચી ગઈ છે. નેવલ બ્લોકેડના કારણે ઈરાનને ઓઈલ મળતું બંધ થઈ ગયું છે અને તેમના મોટાભાગના મિલિટરી તથા અન્ય લીડર્સ પણ ખતમ થઈ ગયા છે.
77 વર્ષના બેન્જામિન નેતૃન્યાહુ ઈઝરાઈલના સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર PM છે, જેમણે વર્ષો સુધી એવા અમેરિકન પ્રેસિડેન્ટની રાહ જોઈ હતી જે ઈરાન પર હુમલો કરવા માટે તૈયાર થાય. 80 વર્ષના ટ્રમ્પના રૂપમાં તેમને એવો સાથી મળી ગયો જે તેમના યુદ્ધના લક્ષ્યોને આગળ વધારવા માટે તૈયાર હતો. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં એવું પણ કહ્યું કે હવે દુનિયામાં 'અમેરિકા અને ઈઝરાઈલનું મોત ઈચ્છવાના' નારા ક્યારેય નહીં સાંભળવા મળે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બિબી નેતૃન્યાહુને વોટ આપો કારણ કે આપણે આપણું અધૂરું કામ પૂરું કરવાનું છે.
