JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના કાંઠેથી મળ્યા 340થી વધુ વોટર આઈડી કાર્ડ, કોંગ્રેસ દ્વારા તપાસની માંગ

Oct 26, 2026 | 09:10 | By JAMNAGAR MIRROR
મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના કાંઠેથી મળ્યા 340થી વધુ વોટર આઈડી કાર્ડ, કોંગ્રેસ દ્વારા તપાસની માંગ
મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં સફાઈ અભિયાન દરમિયાન નદીના કાંઠેથી અચાનક સેંકડો વોટર આઈડી કાર્ડ મળી આવ્યા હતા. આ કાર્ડ ઇન્દોર જિલ્લાની રાઉ વિધાનસભા સીટના હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

રવિવારે મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના મંડલેશ્વર ટાઉનમાં એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પવિત્ર નર્મદા નદીના કાંઠે સ્થાનિક લોકો સફાઈ અભિયાન ચલાવી રહ્યા હતા, તે દરમિયાન તેમને નદી કિનારેથી અસંખ્ય વોટર આઈડી કાર્ડ બેવારસ હાલતમાં મળી આવ્યા. લોકોએ ચોંકીને આ કાર્ડ ભેગા કર્યા અને તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી હતી. જોતજોતામાં આ તમામ કાર્ડનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને ભારે હડકંપ મચી ગયો.

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ કુલ 343 વોટર આઈડી કાર્ડ બાજુના જ ઇન્દોર જિલ્લાની રાઉ વિધાનસભા કન્સ્ટીટ્યુન્સી સાથે સંબંધ ધરાવે છે. ચૂંટણી કાર્ડ જેવી મહત્વની સરકારી ચીજવસ્તુઓ આમ નદીના કાંઠે કચરાની જેમ ફેંકેલી હાલતમાં મળતા જ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રવિ નાયક પોતાના કાર્યકર્તાઓ સાથે તાત્કાલિક મંડલેશ્વર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને કડક એફઆઈઆર નોંધવા માટે લેખિત ફરિયાદ આપી હતી.

આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે અને જવાબદાર લોકો સામે કડક એક્શન લેવાની માંગ કરી છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓએ નદીમાં ડૂબકી લગાવીને ગોતાખોરોની મદદથી સર્ચ ઓપરેશન ચલાવવાની પણ માંગ કરી છે કે જેથી પાણીની અંદર કે આસપાસ વધુ કાર્ડ્સ પડ્યા હોય તો બહાર લાવી શકાય. કોંગ્રેસ નેતાએ ચીમકી આપી છે કે જો વહેલી તકે યોગ્ય તપાસ કરીને એફઆઈઆર દાખલ નહીં થાય, તો પાર્ટી દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે. આ બનાવ અંગે મંડલેશ્વરના પોલીસ અધિકારી શ્વેતા શુક્લાએ પુષ્ટિ કરતા જણાવ્યું છે કે નર્મદા કિનારે સફાઈ અભિયાન દરમિયાન આ વોટર આઈડી કાર્ડ મળી આવ્યા છે અને મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

LATEST ARTICLES