JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એપલ અને સેમસંગ જેવી પોતાની દેશી મોબાઈલ બ્રાન્ડ ક્યારે આવશે, મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે તારીખ આપી દીધી

Oct 26, 2026 | 09:10 | By JAMNAGAR MIRROR
એપલ અને સેમસંગ જેવી પોતાની દેશી મોબાઈલ બ્રાન્ડ ક્યારે આવશે, મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે તારીખ આપી દીધી
યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે ભારત પાસે આગામી થોડા વર્ષોમાં પોતાની ખુદની ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગવાળી મોબાઈલ બ્રાન્ડ હશે. તેમણે આ માટે ઓક્ટોબર 2028ની ડેડલાઈન આપી છે અને દેશ હવે ગ્લોબલ કંપનીઓના ફોન એસેમ્બલ કરવાથી આગળ વધીને પોતાના પ્રોડક્ટ્સ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે.

જ્યારે પણ આપણે બજારમાં નવો મોબાઈલ લેવા જઈએ છીએ, ત્યારે આપણા હાથમાં એપલ, સેમસંગ કે પછી કોઈ ચાઈનીઝ બ્રાન્ડના જ ફોન જોવા મળે છે. સવાલ એ થાય કે આટલી મોટી વસ્તી અને માર્કેટ ધરાવતા આપણા ભારતમાં પોતાની કોઈ દેશી સ્માર્ટફોન બ્રાન્ડ કેમ નથી? આ જ સવાલનો જવાબ આપતા યુનિયન ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એક મોટું એલાન કર્યું છે. તેમણે એક કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઓક્ટોબર 23, 2028 સુધીમાં ભારત પાસે પોતાની ખુદની ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગવાળી મોબાઈલ બ્રાન્ડ હાથમાં હશે. મિનિસ્ટરે આ તારીખ નોંધી લેવા માટે પણ કહ્યું છે, જે દર્શાવે છે કે સરકાર આ બાબતે કેટલી ગંભીર છે.

હાલની સ્થિતિ જોઈએ તો ભારત દુનિયાભરની મોટી મોબાઈલ કંપનીઓ માટે ફોન એસેમ્બલ કરવાનું મોટું હબ બની ચૂક્યું છે, પરંતુ હવે દેશનો ટાર્ગેટ તેનાથી એક ડગલું આગળ વધીને પોતાની બ્રાન્ડ અને ખુદની ટેક્નોલોજી વિકસાવવાનો છે. જો કે, સ્માર્ટફોન બનાવવો કે તેની ડિઝાઈન તૈયાર કરવી એ કોઈ બાળકોની રમત નથી. એક સામાન્ય લાગતા મોબાઈલ ફોનની અંદર રેડિયો ફ્રિકવન્સી કમ્યુનિકેશન, એન્ટેના, પાવરફુલ કમ્પ્યુટીંગ પાવર, મેમરી, કેમેરા મોડ્યુલ, ડિસ્પ્લે અને પાવર મેનેજમેન્ટ સિસ્ટમ જેવી અનેક જટિલ બાબતો એકસાથે કામ કરતી હોય છે. આ બધા જ પાર્ટ્સને એકસાથે ફિટ કરીને ફોનનું વજન હલકું રાખવું અને બેટરી ઓછી વપરાય તેનું ધ્યાન રાખવું એ ખૂબ જ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે.

આ જ કારણ છે કે અત્યાર સુધી માત્ર ગણતરીના દેશો જ ગ્લોબલ લેવલના સ્માર્ટફોન ડિઝાઈન કરી શક્યા છે. પરંતુ હવે ભારતે પણ આ દિશામાં મજબૂત પગલાં ભરી દીધા છે. માત્ર ફેક્ટરીઓ બનાવીને ફોન ફીટ કરવાને બદલે દેશ હવે હાર્ડવેર ડિઝાઈનિંગ, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને એડવાન્સ એન્જિનિયરિંગમાં પોતાની કુશળતા વધારી રહ્યો છે. આગામી થોડા વર્ષોમાં ભારત માત્ર ખરીદનાર નહીં, પણ દુનિયાને સ્માર્ટફોન ટેક્નોલોજી આપનાર દેશ તરીકે ઉભરી આવશે તે નક્કી છે.

LATEST ARTICLES