પંજાબથી એક ચોંકાવનારા અને હચમચાવી નાખે તેવા ક્રાઈમના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અંગદપુરા વિસ્તારમાં અચાનક ગોળીબારનો અવાજ ગુંજી ઉઠ્યો અને આખો વિસ્તાર હચમચી ગયો. લોકો કંઈ સમજે તે પહેલાં તો લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. અજાણ્યા હુમલાખોરોએ ઘરોની બહાર બેફામ ફાયરિંગ કરીને હાહાકાર મચાવી દીધો હતો. આ ક્રૂર હુમલામાં બે સગા પિતરાઈ ભાઈઓનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, મૃતકોની ઓળખ સાહિલ જિંદાલ અને ગગન જિંદાલ તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો એક બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં સવાર થઈને આવ્યા હતા અને અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આખા ઘટનાક્રમ દરમિયાન હુમલાખોરોએ અંદાજે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આખો વિસ્તાર ડરી ગયો હતો. હુમલાખોરો ફાયરિંગ કરીને પળભરમાં ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે અને ઘટનાસ્થળેથી 3 કારતૂસના ખોખા પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં મામલો અંગત અદાવતનો હોવાનું સામે આવી રહ્યું છે. પીડિત પરિવારના સભ્યોએ પોલીસ સમક્ષ કેટલાક શંકાસ્પદ લોકોના નામ પણ આપ્યા છે. હાલ તો પોલીસે એફઆઈઆર નોંધીને ફરાર હુમલાખોરોની શોધખોળ તેજ કરી દીધી છે અને સીસીટીવી ફુટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે.
