બ્રહ્માકુમારીઝ સંસ્થાના નવદશકોત્સવના ખાસ અવસર પર આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન ખાતે ભવ્ય ગ્લોબલ સમિટ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં દેશ-વિદેશથી આવેલા હજારો લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન જાણીતા આંતરરાષ્ટ્રીય વક્તા બીકે શિવાની દીદીએ ઉપસ્થિત સૌને જીવન જીવવાની સાચી રીત અને સકારાત્મકતાનો અદ્ભુત પાઠ ભણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણા જીવનની દિશા કોઈ બીજું નહીં પરંતુ આપણી પોતાની વિચારસરણી, સ્વભાવ, નિર્ણયો અને સંસ્કારો નક્કી કરતા હોય છે, તેથી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની જવાબદારી પણ આપણી પોતાની જ છે.
આજના વ્યસ્ત સમયમાં મનની શાંતિ કેવી રીતે જાળવી રાખવી તે સમજાવતા બીકે શિવાની દીદીએ ભારપૂર્વક કહ્યું કે, આપણે અવારનવાર બીજાઓની નકારાત્મક વાતો અને ભૂલોને જ પકડી રાખીને વારંવાર દોહરાવતા હોઈએ છીએ. તેના બદલે જો આપણે એવા લોકો પ્રત્યે પણ શુભભાવના અને શ્રેષ્ઠ સંકલ્પો રાખીશું તો આપણું પોતાનું મન વધુ શાંત, સ્થિર અને શક્તિશાળી બનશે. સંબંધોમાં ભરોસો અકબંધ રાખવા માટે સૌને સમાન દ્રષ્ટિથી જોવાની અને એકબીજાને ક્ષમા કરવાની આદત કેળવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ ગુણો દરેક પરિસ્થિતિમાં આપણને ખુશ રાખી શકે છે.
કાર્યક્રમના અંતમાં તેમણે શ્રેષ્ઠ સંસ્કારો અને સત્કર્મો દ્વારા પોતાનામાં બદલાવ લાવીને સ્વર્ણિમ ભારતના નિર્માણનો સંકલ્પ દોહરાવ્યો હતો. વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરતા તેમણે જણાવ્યું કે મજબૂત આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારસરણી અને પરમાત્માની શક્તિઓના સહારે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ સામનો કરી શકાય છે અને અસંભવ લાગતી બાબતોને પણ સંભવ બનાવી શકાય છે. આ સમિટમાં હાજરી આપનાર સૌ કોઈએ એક નવી ઊર્જા અને માનસિક શાંતિની અનુભૂતિ કરી હતી.
