દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી એક ખાસ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સાહ અને દેશભક્તિથી ભરેલી રેલી રવિવારે સાંજે 5 વાગ્યે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે આવી પહોંચી હતી. બલેશ્વરની જાણીતી સંસ્કાર વિદ્યાલય ખાતે આ કાફ્લાનું ભવ્ય અને યાદગાર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈને આખા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ રાષ્ટ્રીય એકતા બાઈક રેલીમાં દેશના 11 અલગ-અલગ રાજ્યોના પોલીસ જવાનો તેમજ વિવિધ કેન્દ્રીય પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આ વિશાળ કાફ્લાની વાત કરીએ તો તેમાં 55 બાઈક, 10 બોલેરો, 2 બસ, 6 ટ્રક, 3 એમ્બ્યુલન્સ અને 12 વધારાની બાઈક સહિત કુલ 88 વાહનો સામેલ છે, જે દેશના ખૂણે-ખૂણે એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે.
સુરતના બલેશ્વર ખાતે આવેલા આ કાફ્લાને આગળની સફર માટે વિદાય આપવા માટે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અને અન્ય અગ્રણી અધિકારીઓએ ફ્લેગ ઓફ્ આપીને બાઈક રેલીને આગળના પ્રવાસ માટે વિદાય આપી હતી. આ પ્રસંગે સંસ્કાર વિદ્યાલયના સંચાલકો, ઉત્સાહી શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ જવાનો પર ફૂલવર્ષા કરી દેશભક્તિના નારા સાથે આ પળને યાદગાર બનાવી હતી.
