હવામાનની બદલાતી ચાલ અને ગ્લોબલ વોર્મિંગની અસર હવે આપણી વીજળી અને લાઈફસ્ટાઈલ પર પણ સીધી દેખાવા લાગી છે. વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ આગામી સમયમાં 'સુપર એલ નિનો' સક્રિય થવાની પૂરી શક્યતા છે, જેના કારણે કાળઝાળ ગરમી અને આભમાંથી આગ વરસાવતી લૂ ફૂંકાઈ શકે છે. આ સ્થિતિમાં ઘરો અને ઓફિસમાં એસી, પંખા અને કુલરનો વપરાશ બેફામ વધશે, જેને કારણે વીજળીની ડિમાન્ડ પણ રેકોર્ડ સ્તરે પહોંચી જશે. આ બધી બાબતોનો તાગ મેળવીને તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશને (TNPDCL) અત્યારથી જ કમર કસી લીધી છે અને મોટો પાવર કટોકટીનો ખાળવા માટે આગોતરી રણનીતિ બનાવી છે.
સત્તાવાર આંકડાઓ અનુસાર, 2027ના ઉનાળાની પીક સિઝનમાં રાજ્યમાં વીજળીની માંગ સામે અંદાજે 7,971MW જેટલી જબરદસ્ત ઘટ ઊભી થઈ શકે છે. જો સમયસર પગલાં ન લેવાય તો ઉદ્યોગોથી લઈને સામાન્ય નાગરિકોના ઘરો સુધી પાવર કટ અને લોડ શેડિંગનો સામનો કરવો પડી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાવર ડિપાર્ટમેન્ટે અત્યારથી જ વિવિધ પાવર એજન્સીઓ સાથે અગાઉથી પાવર ખરીદવા (એડવાન્સ પાવર પર્ચેઝ) માટેની વાટાઘાટો શરૂ કરી દીધી છે જેથી જરૂરિયાતના સમયે વીજળીના ભાવો આસમાને ન પહોંચે અને પૂરતો જથ્થો મળી રહે.
આજના ડિજિટલ યુગમાં વીજળી વિના એક ક્ષણ પણ ચાલે તેમ નથી, ત્યારે સરકારનું આ આગોતરું આયોજન પ્રશંસાને પાત્ર છે. સામાન્ય રીતે ઉનાળો આવે ત્યારે જ વીજળીની શોર્ટેજની બૂમો ઉઠતી હોય છે, પરંતુ આ વખતે બે વર્ષ અગાઉથી જ પ્લાનિંગ કરીને તંત્રએ સાવચેતીનું પગલું ભરી લીધું છે. આગામી દિવસોમાં પાવર એક્સચેન્જ અને અન્ય રાજ્યો સાથે કરાર કરીને ગ્રીડને મજબૂત બનાવવામાં આવશે, જેથી ગરમી ગમે તેટલી પડે પરંતુ જનજીવન અને બિઝનેસ પર તેની ન્યૂનતમ અસર પડે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
