ઇઝરાયેલમાં ચૂંટણીને હવે માત્ર 2 જ દિવસ બાકી છે અને દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આવા નાજુક સમયે પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે જેનાથી આખા દેશમાં હડકંપ મચી ગયો છે. નેતન્યાહુએ એક AI જનરેટેડ તસવીર શેર કરી છે જેમાં તેલ અવીવ શહેર ઉપર મોટો ન્યુક્લિયર બ્લાસ્ટ અને મશરૂમ જેવો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો છે. આ ભયાનક તસવીરની સાથે તેમણે ઈરાન તરફથી તોળાઈ રહેલા ખતરાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
નેતન્યાહુએ જાણીતા રાજકીય કોમેન્ટેટર યુવલ બ્લુમબર્ગના વિચારો શેર કરતા લખ્યું કે ઇઝરાયેલ હાલમાં ગંભીર અસ્તિત્વના જોખમનો સામનો કરી રહ્યું છે. જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી ગયા તો બધું જ બદલાઈ જશે. તેમણે દાવો કર્યો કે બાકીના મુદ્દાઓ અત્યારે ફાલતુ છે અને અસલી ખતરો ઈરાનનો છે. નેતન્યાહુએ ઉમેર્યું કે આપણી પાસે ઈરાનના કામને પૂરું કરવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનના હજુ 2 વર્ષ જ બાકી છે અને તે પછી શું થશે તેની કોઈ ખાતરી નથી. આ જ સમય છે જ્યારે દેશે પોતાની તાકાત લગાવીને આ મોરચો પાર પાડવો પડશે.
આ વિવાદાસ્પદ પોસ્ટ સામે આવતાની સાથે જ ઇઝરાયેલનું રાજકારણ ગરમાઈ ગયું છે અને વિરોધીઓએ નેતન્યાહુ પર જોરદાર પ્રહારો શરૂ કરી દીધા છે. ડેમોક્રેટ્સ પાર્ટીના ચેરમેન યૈર ગોલને આ પોસ્ટ પર તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો છે કે ચૂંટણી નજીક આવતા જ નેતન્યાહુ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને ગભરાટમાં આવા પગલાં ભરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થયા બાદ સામાન્ય જનતામાં પણ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે કે ચૂંટણી જીતવા માટે આ પ્રકારના ડરનો માહોલ કેટલો યોગ્ય છે.
