દિવાળીનો તહેવાર એટલે વેપારીઓ માટે કમાણીનો સોનેરી સમય. આ દિવસોમાં બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જામતી હોય છે અને વેપારીઓ પણ ઉત્સાહમાં હોય છે. પરંતુ ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી એક એવા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે જેણે વેપારીઓની આખી દિવાળી બગાડી નાખી છે. પાલીતાણાની ધમધમતી મુખ્ય બજારમાં અચાનક જ એક વીજપોલ પર આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી.
બજારની વચ્ચે આવેલા વીજપોલ પર લાગેલા પીજીવીસીએલના મીટરમાં અચાનક શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં ત્યાં ભીષણ આગ ફાટી નીકળી. દિવાળીના તહેવારના માહોલ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસના દુકાનદારો અને ખરીદી કરવા આવેલા લોકોમાં ભારે ભય અને નાસભાગનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકો જીવ બચાવવા માટે ઇમરજન્સીમાં આમતેમ દોડવા લાગ્યા હતા.
આ આગની જ્વાળાઓ ભલે કાબૂમાં આવી ગઈ, પરંતુ તેનો મોટો ફટકો વેપારીઓને સહન કરવો પડ્યો છે. વીજ પ્રવાહમાં અચાનક થયેલા ગંભીર ફેરફાર અને હાઈ વોલ્ટેજના કારણે આસપાસની દુકાનોમાં ભારે નુકસાન થયું છે. વેપારીઓની દુકાનોમાં લગાવેલા પંખા તેમજ અન્ય મહત્વપૂર્ણ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. તહેવારના બરાબર ટાણે જ થયેલા આ અચાનક આર્થિક નુકસાનના કારણે વેપારીઓની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે અને તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોવા મળી રહી છે.
ઘટનાની જાણ થતા જ પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વીજ પુરવઠો બંધ કરીને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. વેપારીઓનું કહેવું છે કે તંત્રની બેદરકારીના કારણે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર રજૂઆતો છતાં વીજ તંત્રની લાપરવાહી યથાવત રહેતા વેપારીઓમાં પીજીવીસીએલની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા વેપારીઓએ હવે વીજ તંત્ર સામે વળતર આપવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન સર્જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.
