અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર શાંતિથી સમય વિતાવતા નાગરિકો અને પ્રેમીપંખીડાઓને ડરાવી-ધમકાવીને પૈસા પડવતી ગેંગ સામે હવે ખાખી વર્દીએ લાલ આંખ કરી છે. તાજેતરમાં જ રિવરફ્રન્ટ પર બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, જ્યાં એક નિર્દોષ કપલને નકલી પોલીસ બનીને ડરાવવામાં આવ્યું હતું. વહેલી સવારે રિવરફ્રન્ટ પર બેઠેલા આ કપલ પાસે એક શખ્સ પહોંચી ગયો હતો અને તેણે રોફ જમાવતા કહ્યું કે હું પોલીસકર્મી છું. આ નકલી પોલીસે કપલ સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેમના બંને મોબાઈલ ફોન પણ બળજબરીથી આંચકી લીધા હતા. આરોપીએ ડર ઊભો કર્યો કે જો પૈસા નહીં આપો તો તમારા અંગત ફોટા પરિવારજનોને મોકલી દઈશ અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી નાખીશ.
આ ઘટના ગત 24 મેના રોજ વહેલી સવારે આશરે 4:00 વાગ્યાના સુમારે બની હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર એરોડ્રોમ પાછળ આવેલા વોક-વે પર એક યુવક અને યુવતી શાંતિથી બેઠા હતા, ત્યારે ગોમતીપુરનો રહેવાસી મોહમદ હુસૈન ઉર્ફે હડ્ડી કમરૂદ્દીન શેખ ત્યાં ધસી આવ્યો હતો. બદનામીના ડરથી ગભરાઈ ગયેલા કપલ પાસે આ નકલી પોલીસે ₹10,000 ની માંગણી કરી હતી. યુવક પાસે તે સમયે રોકડા પૂરતા પૈસા ન હોવાથી તેણે પોતાના મિત્રને ફોન કરીને ઓનલાઇન ₹6,000 મંગાવ્યા હતા અને પોતાના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા ભેગા કરીને કુલ ₹10,000 કર્યા હતા. ચાલાક નકલી પોલીસે પોતાનો QR કોડ સ્કેન કરાવીને આ રકમ સીધી પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અને બાદમાં મોં બંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ બાદ ભોગ બનનાર યુવક અને યુવતીએ ડરી જવાની જગ્યાએ સાચી હિંમત દાખવી હતી અને તુરંત જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કપલ પાસેથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવા મેળવીને એક સુનિયોજિત ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ સફળ રહી અને પોલીસે ગોમતીપુર વિસ્તારમાંથી કુખ્યાત આરોપી મોહમદ હુસૈન ઉર્ફે હડ્ડીને દબોચી લીધો હતો. જ્યારે અસલી પોલીસનો ભેટો થયો ત્યારે રોફ જમાવનાર આ નકલી પોલીસની હવા જ નીકળી ગઈ હતી અને તે પોલીસ સમક્ષ હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો. હાલ પોલીસે તેની સામે ગુનો નોંધીને તેણે અગાઉ આવા કેટલા લોકો સાથે તોડબાજી કરી છે તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
