બિહારની રાજધાની પટનામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને કારણે ભારે હોબાળો મચી ગયો છે. પટનામાં બિહારના પહેલા મુખ્યમંત્રી ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના દિગ્ગજ નેતાઓ ભેગા થયા હતા, પરંતુ મલ્લિકાર્જુન ખડગે જ્યારે સ્પીચ આપવા માટે માઈક પર આવ્યા ત્યારે માહોલ એકદમ ગરમાઈ ગયો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
બનેલી ઘટના એવી હતી કે, ખડગે પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. તેઓ પીએમ મોદી વિરુદ્ધ સતત બોલી રહ્યા હતા ત્યારે જ સભામાં બેઠેલા એક સામાન્ય વ્યક્તિએ વચ્ચે ટકોર કરી હતી કે પીએમ મોદી ક્યાંય નહીં જાય. બસ, આ નાની વાત ખડગે અને ત્યાં બેઠેલા કોંગ્રેસના નેતાઓને ખૂંચી ગઈ. પબ્લિકમાંથી આવેલી આ ટકોર સાંભળીને મલ્લિકાર્જુન ખડગે ગુસ્સામાં આવી ગયા અને તેમણે પબ્લિકલી એવું કહી દીધું કે, “મોદીના બાપ પણ જશે.”
ખડગેના મોઢેથી આ શબ્દો નીકળતાની સાથે જ હોલમાં બેઠેલા કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. જે વ્યક્તિએ ટકોર કરી હતી તેની સાથે કોંગ્રેસના કાર્યકરો બાથરૂમ-બથાઈ પડ્યા અને તેને માર મારવા લાગ્યા હતા. આ ધમાસાણ વચ્ચે વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સ્ટેજની આસપાસ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આટલો મોટો હોબાળો થવા છતાં ખડગે અટક્યા નહોતા અને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
આ સમગ્ર ઘટના બાદ દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી છે અને ભાષાની મર્યાદા વટાવવા બદલ રોષ વ્યક્ત કર્યો છે. વિપક્ષી નેતા દ્વારા પદની ગરિમાને ભૂલીને આ પ્રકારની ભાષા વાપરવાને લઈને હવે ભાજપ તરફથી જોરદાર પલટવાર થઈ રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે આ વિવાદ આગામી દિવસોમાં વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તેવા પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.
