જામનગર મિરર બ્યુરો.
દેશની સુરક્ષાને લગતી અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી દુશ્મન દેશો કે અજાણ્યા શખ્સો સુધી પહોંચાડવાના ગંભીર ગુનામાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. દેશના દક્ષિણ ભાગમાં આવેલા વેલોર શહેરમાંથી એક પૂર્વ સૈન્ય અધિકારીની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાવન વર્ષીય આ નિવૃત્ત લશ્કરી અધિકારી પર ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજો અને મહત્વની વ્યૂહાત્મક જાણકારીઓ એક અજાણી મહિલા સાથે શેર કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી દેશભરની સુરક્ષા વ્યવસ્થામાં હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત થતી વિગતવાર માહિતી અનુસાર, પકડાયેલા આરોપી પૂર્વ સૈન્ય અધિકારીનું નામ બાબુ છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી આ નિવૃત્ત અધિકારી વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા એક શંકાસ્પદ અને અજાણી મહિલાના સંપર્કમાં હતો. પ્રારંભિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અયોગ્ય રીતે ફસાવ્યા બાદ અથવા લલચાવીને આ ગુપ્ત માહિતી કઢાવવામાં આવી હતી. બાબુએ પોતાની સેનાની નોકરી દરમિયાન મેળવેલી અત્યંત ખાનગી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી બાબતો આ મહિલાને મોકલી આપી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે આ માmલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ જાસૂસી રેકેટ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું કે વિદેશી એજન્સીઓનો હાથ છે કે કેમ, તે દિશામાં પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીએ અત્યાર સુધીમાં કયા કયા દસ્તાવેજો અને કઈ ગુપ્ત માહિતી ફોરવર્ડ કરી છે તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે. દેશની આંતરિક સુરક્ષા સામે ખતરો ઊભો કરનાર આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી સુરક્ષા દળો દ્વારા આપવામાં આવી છે.
