જામનગર મિરર બ્યુરો.
વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દુનિયાનું ધ્યાન દોર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વિશ્વમાં ગમે તે ખૂણે યુદ્ધ થાય, તેની સીધી અસર સમગ્ર વિશ્વની શાંતિ પર પડે છે. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધોને ટાંકીને તેમણે કહ્યું કે આ સંઘર્ષો માત્ર પ્રાદેશિક નથી રહ્યા, પરંતુ તેના ગંભીર પડઘા વૈશ્વિક સ્તરે પડી રહ્યા છે.
વિદેશ મંત્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા વૈશ્વિક સંઘર્ષો માત્ર યુદ્ધ લડતા દેશો પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ તેના કારણે યુદ્ધ ક્ષેત્રથી હજારો કિલોમીટર દૂર વસતા સમાજો અને અર્થતંત્રને પણ ભારે આર્થિક અને સામાજિક બોજ સહન કરવો પડે છે. આજના વૈશ્વિકરણના યુગમાં ખાદ્ય સુરક્ષા, ઉર્જા ક્ષેત્ર અને નાણાકીય બજારો પર યુદ્ધની વિનાશક અસરો સ્પષ્ટપણે વર્તાઈ રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તમામ રાષ્ટ્રોએ માત્ર મૂક પ્રેક્ષક બનીને બેસી રહેવાને બદલે સક્રિય ભૂમિકા ભજવવી પડશે. શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પરસ્પર સહયોગ,ૂ કૂટનીતિ અને સંવાદ અનિવાર્ય છે. જો તમામ દેશો ભેગા મળીને નક્કર પગલાં નહીં ભરે, તો ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ મોટા જોખમોનો સામનો કરવો પડી શકે છે, જે સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય છે.
