અધિકારીક સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, દેશભરમાં ચકચાર જગાવનાર અઠ્ઠાવીસ હજાર કરોડ રૂપિયાના કથિત સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત કેન્દ્રીય તપાસ એજન્સીએ શનિવારે મુંબઈના વિમાનમથક પરથી એક વકીલની ધરપકડ કરી છે. આ મામલામાં તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી આ સાતમી ધરપકડ છે. આરોપી રાશેષ ઉપાધ્યાય ઉર્ફે રાશેષ શાહ દિલ્હીની ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો, ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના બોર્ડિંગ ગેટ પરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કસ્ટમ અને સુરક્ષાદળોના જવાનોએ પણ તપાસ એજન્સીને સહયોગ પૂરો પાડ્યો હતો.
આરોપીની ધરપકડ બાદ તેને પંજીસ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને અદાલતે આગામી ઓક્ટોબરની ઓગણત્રીસ તારીખ સુધી તપાસ એજન્સીના રિમાન્ડ પર સોંપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણની તપાસ ગત જૂન મહિનામાં ગોવા પોલીસ દ્વારા નોંધવામાં આવેલી પ્રાથમિક ફરિયાદના આધારે શરૂ થઈ હતી. ગોવાસ્થિત એક મહિલા સાથે સાયબર ઠગો દ્વારા ડિજિટલ એરેસ્ટના નામે અઢી કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી અને આ રકમ અલગ-અલગ શંકાસ્પદ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.
તપાસ એજન્સીએ અદાલતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પકડાયેલો વકીલ આ સમગ્ર સાયબર અપરાધ નેટવર્કનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો હતો. જ્યારે પોલીસ ફરિયાદોના આધારે કથિત નેટવર્કના બેંક ખાતાઓને સ્થગિત કરવામાં આવ્યા હતા, ત્યારે આ શખ્સે સંબંધિત અધિકારીઓને લાંચ આપીને તે ખાતાઓને મુક્ત કરાવ્યા હતા. આ સમગ્ર ગેરકાયદેસર વ્યવહાર અંગડિયા પદ્ધતિ દ્વારા રોકડ સ્વરૂપે ચલાવવામાં આવતો હતો. એજન્સીના જણાવ્યા મુજબ આરોપીએ વકીલ તરીકે નોંઘણી કરાવી હતી પરંતુ ક્યારેય કોર્ટમાં કોઈ આરોપી કે તેની કંપની તરફથી વકાલતનામા રજૂ કર્યા ન હતા, જે આ કૌભાંડમાં તેની સીધી સંડોવણી તરફ ઈશારો કરે છે.
