સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ અમીરાત રાસ અલ ખૈમાહમાં દરિયાકાંઠે ઓઈલ ફેલાવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. દરિયાઈ પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણની રક્ષા કરવા માટે અમીરાતની પોલીસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા તમામ દરિયાકિનારાઓને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ અણધારી આપત્તિને કારણે સ્થાનિક નાગરિકો અને પર્યટકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પર્યાવરણ મંત્રાલયના ટેકનિકલ મોનિટરિંગ અને એસેસમેન્ટ સિસ્ટમ દ્વારા એક ટેન્કરમાંથી તેલ ગળતર થઈ રહ્યું હોવાનું સમયસર શોધી કાઢવામાં આવ્યું હતું. આ ગંભીર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક અને સંઘીય એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને તાત્કાલિક ધોરણે સફાઈ અને નિયંત્રણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓઈલ ગળતરને કારણે ફેલાયેલી દુર્ગંધની અસર પડોશી અમીરાતો જેવા કે શારજાહ, અજમાન અને ઉમ્મ અલ કુવૈઈન સુધી અનુભવાઈ છે, જોકે સરકારી એજન્સીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ દુર્ગંધથી નાગરિકોના સ્વાસ્થ્યને કોઈ જોખમ નથી.
સાવચેતીના ભાગરૂપે ઉમ્મ અલ કુવૈઈન પ્રશાસને પણ પોતાના તમામ દરિયાકિનારાઓ અને દરિયાકાંઠાના વિસ્તારો હંગામી ધોરણે બંધ કરી દીધા છે. ટેકનિકલ ટીમો દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિ પર થયેલી અસરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને સંપૂર્ણ સફાઈ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે. વહીવટી તંત્ર દ્વારા માછીમારો અને દરિયાઈ પ્રવાસીઓને સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તથા અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
