જમીન બિનખેતી કરવાના એક વિવાદાસ્પદ કેસમાં સોગંદનામું રજૂ કરીને ન્યાયિક અધિકારી વિરુદ્ધ પાયાવિહોણા અને બિનજરૂરી તથ્યો રજૂ કરનાર વડોદરાના કલેક્ટર અનિલ ધામેલીયા સામે ગુજરાત ઉચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. અદાલતે કલેક્ટરની કામ કરવાની પદ્ધતિ અને તેમની વર્તણૂક સામે ગંભીર સવાલો ઉઠાવતા તેમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી હાજર રાખીને આકરો ઉધડો લીધો હતો. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે અધિકારીઓએ પોતાની મર્યાદામાં રહીને જ કામ કરવું જોઈએ અને કાયદાની અવગણના કરીને કેઝ્યુલ નિર્ણયો લેવા સાંખી લેવામાં આવશે નહીં.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીને પણ કોર્ટમાં હાજર રાખ્યા હતા અને કલેક્ટરની અવારનવારની આવી ટેવ તથા વર્તણૂક વિશે માહિતગાર કર્યા હતા. સુનાવણી દરમિયાન અદાલતે કલેક્ટરને આકરા પ્રશ્નો પૂછતા ટકોર કરી હતી કે શું તેઓ પોતાની કારકિર્દી અહીં જ પૂરી કરવા માંગે છે? અદાલતે જણાવ્યું હતું કે કલેક્ટરે સોગંદનામામાં હદ વટાવી દીધી છે અને ન્યાયિક અધિકારી સામે બેફામ આક્ષેપો કર્યા છે, જે સ્વીકાર્ય નથી. કલેક્ટર અગાઉ પણ અન્ય એક અવમાનનાના કેસનો સામનો કરી રહ્યા હોવાની બાબત પણ અદાલતના ધ્યાને આવી હતી.
સમગ્ર પ્રકરણની ગંભીરતાને જોઈને ઉચ્ચ અદાલતે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને આ કેસના તમામ કાગળો અને કલેક્ટરનું વિવાદાસ્પદ સોગંદનામું ધ્યાનમાં લેવાનો આદેશ કર્યો છે. અદાલતે વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેમણે કલેક્ટર વિરુદ્ધ ભવિષ્યમાં કયા પ્રકારની શિસ્તભંગની કે યોગ્ય કાર્યવાહી કરવાની છે, તેની સ્પષ્ટતા આગામી સુનાવણીમાં કરવાની રહેશે. આ કેસની આગામી સુનાવણી અદાલત દ્વારા આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર વહીવટી તંત્રની નજર રહેશે.
