જર્મન ઉદ્યોગો હવે ભારતને માત્ર એક બજાર તરીકે નહીં, પરંતુ ભવિષ્યના વ્યૂહાત્મક ઉત્પાદન, સંશોધન અને વિકાસ તથા નવા સંશોધનોના મુખ્ય કેન્દ્ર તરીકે જોઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જર્મનીની બે દિવસીય સફળ મુલાકાત બાદ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે સીમેન્સ હેલ્થકેર, વોક્સવેગન અને સ્કોડા જેવી દિગ્ગજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠકો યોજી હતી. જર્મન કંપનીઓ હવે ભારતની તકનીકી કુશળતા અને યુવા પ્રતિભા સાથે પોતાની ચોકસાઈને જોડીને વૈશ્વિક સ્તરે આગળ વધવા માટે ઉત્સુક છે.
વર્તમાન સમયમાં લગભગ બે હજારથી વધુ જર્મન કંપનીઓ ભારતમાં સફળતાપૂર્વક કાર્યરત છે અને આગામી સમયમાં આ સહયોગ વધુ ગાઢ બનવાની પૂરી સંભાવના છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર કરારના માર્ગ પર આગળ વધી રહેલા આ સંબંધો માત્ર ચીજવસ્તુઓના વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે ટેકનોલોજીનું આદાનપ્રદાન, સંયુક્ત ઉત્પાદન અને સહ-ડિઝાઇનિંગ સુધી વિસ્તરેલા છે. દેશમાં કાર્યરત વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોમાં લાખો પ્રતિભાશાળી યુવાનો કામ કરી રહ્યા છે, જેને જોતાં ઘણી જર્મન કંપનીઓ આગામી બેથી પાંચ વર્ષમાં પોતાના કાર્યબળને બમણું કે ત્રણ ગણું કરવાની યોજના બનાવી રહી છે.
પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સંબંધિત મુદ્દાઓ પર વાત કરતા મંત્રીએ જણાવ્યું કે યુરોપિયન યુનિયન પણ ભારતની હરિત ઉર્જાની પહેલ અને પેરિસ કરારની પ્રતિબદ્ધતાઓને સ્વીકારે છે. જોકે, તેમણે યુરોપિયન યુનિયનના કાર્બોન બોર્ડર એડજસ્ટેમેન્ટ મિકેનિઝમ અંગે પણ સ્પષ્ટ શબ્દોમાં ભારતનું વલણ રજૂ કર્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ભારતનો હિસ્સો ખૂબ જ ઓછો હોવા છતાં દેશ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઐતિહાસિક ભાગીદારીથી આગામી સમયમાં દેશમાં નવા રોકાણો આવશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
