JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

જામિયામાં મુક્ત કશ્મીરના કોઈ નારા લાગ્યા નથી, કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદનો દાવો

Oct 24, 2026 | 08:25 | By JAMNAGAR MIRROR
જામિયામાં મુક્ત કશ્મીરના કોઈ નારા લાગ્યા નથી, કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદનો દાવો

નવી દિલ્હીના ચર્ચિત શૈક્ષણિક સંકુલ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી પરિસરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના દેખાવો અને આંદોલન વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ઈમરાન મસૂદ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આંદોલન દરમિયાન મુક્ત કશ્મીરની માંગ કરતા કે તેવા કોઈ પણ પ્રકારના નારા લગાવવામાં આવ્યા નથી. તેમણે આ પ્રકારની અફવાઓ અને વિવાદાસ્પદ પોસ્ટર્સ લગાવનારા તત્વોની આકરીી ટીકા કરી હતી અને કશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું હતું.

સાંસદે વધુમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી પરિસરમાં જમ્મુ અને કશ્મીરને લગતા વિવાદાસ્પદ પોસ્ટર્સ લગાવીને આ શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલનને નબળું પાડવાનો અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા કૃત્ય કરનારાઓનો વિદ્યાર્થીઓના અસલી મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નથી. તેમણે પોલીસ પ્રશાસન પાસે માંગ કરી હતી કે આ પ્રકારના પોસ્ટર્સ લગાવનારા જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. કશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશાં રહેશે તેમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે આ દેશનો કોઈપણ નાગરિક અથવા બાળક ક્યારેય આનાથી વિરુદ્ધ વિચારી પણ શકે નહીં.

વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પડકારો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની માંગણીઓ સંપૂર્ણપણે વ્યાજબી અને ન્યાયસંગત છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીઓ કેમ પુનઃસ્થાપિત કરવામાં આવતી નથી તેવો સવાલ ઉઠાવીને તેમણે ચેતવણી આપી હતી કે યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને તેમના ભવિષ્યને દબાવવાના પ્રયાસો અક્ષમ્ય છે. બીજી બાજુ, વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું છે. પરિસરમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા સાત સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓની તમામ ફરિયાદોની કાળજીપૂર્વક તપાસ કરીને યોગ્ય ઉકેલ લાવશે.

LATEST ARTICLES