પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની સરકારી હોસ્પિટલોના કર્મચારીઓ માટે દુર્ગા પૂજાની લંબાયેલી રજાઓ આગામી વર્ષથી સદંતર સમાપ્ત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી શરદવત મુખોપાધ્યાયે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ચોવીસ કલાક અને અઠવાડીઆના સાતેય દિવસ અવિરત સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે એક નવી ડ્યુટી પ્રણાલી લાગુ કરવામાં આવશે. આ ફેરફાર હેઠળ હવે તહેવારોની મોસમમાં પણ તબીબી સ્ટાફે ફરજ પર હાજર રહેવું પડશે.
મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આઝાદીના સમયથી એક અણલખ્યો નિયમ ચાલતો આવ્યો હતો, જેમાં પૂજાના છઠ્ઠા દિવસ એટલે કે શષ્ઠીથી લઈને લક્ષ્મી પૂજા સુધી તહેવારની રજાઓ લંબાવવામાં આવતી હતી. આ પ્રથાને હવે આવતા વર્ષથી બંધ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સ્વાસ્થ્ય વિભાગ અન્ય સરકારી વિભાગો જેવો નથી, કારણ કે આ એક અત્યાવશ્ય સેવાઓનો વિભાગ છે. અહીં સામાન્ય જનતાને અવિરતપણે સેવાઓ પૂરી પાડવાની જવાબદારી છે, જેમાં કોઈપણ પ્રકારની લાપરવાહી સાંખી લેવામાં આવશે નહીં.
આગામી વર્ષે દુર્ગા પૂજા દરમિયાન સપ્તમીથી દશમી સુધીના દિવસોમાં સ્ટાફ માટે ખાસ ડ્યુટી રોસ્ટર તૈયાર કરવામાં આવશે. હાલમાં જે કર્મચારીઓ રજા પર છે તેમને પણ તાત્કાલિક ધોરણે કામ પર પાછા ફરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તબીબો અને નર્સો માટે કોઈ નિશ્ચિત રોસ્ટર નહીં હોય, પરંતુ જરૂરિયાત મુજબ તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેવું પડશે. તહેવારો દરમિયાન કેટલાક તબીબો અને અધિકારીઓ વગર પરવાનગી રજા પર ઉતરી ગયા હોવાના અહેવાલો મળ્યા બાદ સરકારે આ કડક પગલું ભર્યું છે.
