વિદેશી ધરતી પરથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક હોસ્પિટલના તબીબે દોઢ વર્ષના નાનકડા બાળકને મૃત જાહેર કર્યાના આશરે પાંચ કલાક બાદ તે હોસ્પિટલના શબઘરમાં જીવિત હોવાનું અને શ્વાસ લેતો હોવાનું બહાર આવ્યું હતું. આ અવિશ્વસનીય ઘટનાને પગલે તબીબી જગતમાં હડકંપ મચી ગયો છે અને હોસ્પિટલની ગંભીર લાપરવાહી સામે ભારે રોષ ફેલાયો છે. બાળક ડૂબી જવાની ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે પૂરતી તપાસ કર્યા વગર જ તેને મૃત જાહેર કરી દીધો હતો.
આ હૃદયદ્રાવક બનાવ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી અને શબઘરમાં તબીબી પરીક્ષકનો સ્ટાફ પહોંચ્યો હતો. સ્ટાફના કર્મચારીએ નોંધ્યું કે મૃત જાહેર કરાયેલા બાળકના શરીરમાં હજુ પણ હલનચલન થઈ રહી છે અને તે શ્વાસ લઈ રહ્યો છે. આ ચમત્કારિક બાબતની જાણ થતા જ માતા-પિતાની ખુશીનો પાર ન રહ્યો, પરંતુ સાથે જ તબીબની ઘોર બેદરકારી સામે પણ સવાલો ઉભા થયા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ પણ બાળકમાં જીવનના લક્ષણો જોયા હતા અને તબીબનું ધ્યાન દોર્યું હતું, પરંતુ અહંકારમાં આવીને તબીબે પોલીસની વાતને નજરઅંદાજ કરી દીધી હતી અને પોતાની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ ઘટના બાદ બાળકને તાત્કાલિક અન્ય અદ્યતન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે ચમત્કારિક રીતે બચી ગયો છે, પરંતુ આખી પ્રક્રિયામાં થયેલા વિલંબ અને ઓક્સિજનની અછતના કારણે તેના મગજને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ આ નાનકડું બાળક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને જાતે બેસી કે હલનચલન કરી શકતું નથી. પીડિત પરિવારના વકીલે સંબંધિત તબીબ અને હોસ્પિટલ સામે સત્તાવાર ફોજદારી ફરિયાદ નોંધાવવાની તકેદારી આદરી છે. જોકે, હોસ્પિટલ પ્રશાસને દર્દીની ગોપનીયતાનું બહાનું ધરીને આ મામલે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, જ્યારે ડૉક્ટરના વકીલે બાળકના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી છે. આ અમાનવીય અને લાપરવાહી ભરેલા કિસ્સાએ સમગ્ર વિશ્વમાં તબીબી નૈતિકતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે.
