પાકિસ્તાનના ઐતિહાસિક શહેર લાહોરમાં હવાની ગુણવત્તા અત્યંત કથળી છે અને તે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. આંતરરાષ્ટ્રીય વાયુ ગુણવત્તા મોનિટરિંગ પ્લેટફોર્મના અહેવાલ મુજબ, શહેરમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ચારસો દસ નોંધાયો હતો, જેને જોખમી શ્રેણીમાં મૂકવામાં આવે છે. હવામાં હાનિકારક સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થાના વાર્ષિક માર્ગદર્શક મૂલ્ય કરતાં ૪૫ ગણા કરતા પણ વધુ જોવા મળ્યું છે. આ ગંભીર સ્થિતિને કારણે સમગ્ર શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ધોરણો મુજબ ત્રણસોથી વધુનો આંકડો સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી માનવામાં આવે છે. લાહોરમાં હવામાં અતિ સૂક્ષ્મ કણોની હાજરી શ્વાસ દ્વારા ફેફસાંમાં ઊંડે સુધીી જઈને લોહીમાં ભળી શકે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. લાહોર તેમજ પંજાબ પ્રાંતના અન્ય વિસ્તારોમાં દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન ભારે ધુમ્મસ અને પ્રદૂષણની સમસ્યા નિયમિતપણે સર્જાય છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે મોટો પડકાર બની રહી છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને સાવચેતી રાખવાની કડક સલાહ આપી છે. પ્રદૂષણના આ પ્રકોપથી બચવા માટે લોકોને ઘરમાં જ રહેવા, બહારની શારીરિક પ્રવૃત્તિઓ મર્યાદિત કરવા, ઘરની ખીડકીઓ બંધ રાખવા અને બહાર નીકળતી વખતે ફરજિયાતપણે રક્ષણાત્મક માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. લાહોરમાં વારંવાર સર્જાતી આ પ્રદૂષણની કટોકટીએ સરકાર અને પ્રશાસન સમક્ષ પર્યાવરણ નિયંત્રણ માટેના કડક પગલાં લેવાની તાકીદની આવશ્યકતા ઊભી કરી છે.
