નવી દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં દેશના સંરક્ષણ સચિવે રાષ્ટ્રીય સુરક્ષા અને આધુનિક યુદ્ધ પદ્ધતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સમયના સાયબર જોખમો અને ડ્રોન હુમલા જેવા પડકારોનો સામનો કરવા માટે ભારતે પોતાની સૈન્ય પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાની શરૂઆત કરી દીધી છે. આ દિશામાં આગળ વધતા સૈન્ય દળો માટે નિર્ણયો લેવાની પ્રક્રિયા અને ડ્રોન હુમલાને અટકાવવા માટે પોતાની સ્વદેશી કુત્રિમ બુદ્ધમત્તા પ્રણાલી વિકસાવવી અનિવાર્ય બની ગઈ છે. આ તકનીક એવી સંવેદનશીલ હોય છે કે જેના માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહી શકાય નહીં, તેથી દેશના જ વિશ્વાસપાત્ર ખાનગી ઉદ્યોગો અને રાષ્ટ્રીય સંસાધનોની મદદથી આ કવચ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સંકલિત હવાઈ આદેશ અને નિયંત્રણ પ્રણાલીને તમામ પ્લેટફોર્મ સાથે સંપૂર્ણપણે જોડી દેવામાં આવી છે. આ વ્યવસ્થા દેશના આકાશને સુરક્ષિત રાખવા માટે એક અભેદ્ય કવચ તરીકે કામ કરશે. જોકે, આધુનિકીકરણની સાથે-સાથે જૂના હથિયારો અને સાધનોને પણ નવેસરથી ઉપયોગમાં લેવાની રણનીતિ બનાવવામાં આવી છે. નિષ્ણાતોના મતે મોંઘી મિસાઈલોનો ઉપયોગ કરવાના બદલે આધુનિક રડારથી સજ્જ જૂની એર ડિફેન્સ તોપો ઓછા ખર્ચે ડ્રોન હુમલા સામે લડવામાં અત્યંત કારગર સાબિત થઈ રહી છે.
વૈશ્વિક સ્તરે બદલાતી યુદ્ધની પરિસ્થિતિઓ અને અસંતુમિત ખર્ચના પડકારોને ધ્યાનમાં રાખીને દેશે સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલોનું ઉત્પાદન મોટા પાયે વધારવા પર ભાર મૂક્યો છે. સસ્તા ડ્રોન સામે મોંઘા શસ્ત્રોનો ઉપયોગ કરવાના આર્થિક બોજને ઘટાડવા માટે સરકારે સંરક્ષણ ક્ષેત્રે મોટા પગલાં લીધા છે. દેશના જાહેર અને ખાનગી ક્ષેત્રના અગ્રણી ઉત્પાદકોને પરંપરાગત મિસાઈલ તકનીકીનું હસ્તાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી ભવિષ્યની કોઈપણ મોટી લશ્કરી જરૂરિયાત માટે પૂરતી ક્ષમતા અને મજબૂત નિવારક શક્તિ ઊભી કરી શકાય.
