JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના: મુખ્યમંત્રી બન્યા નવા અધ્યક્ષ

Oct 23, 2026 | 14:20 | By JAMNAGAR MIRROR
ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના: મુખ્યમંત્રી બન્યા નવા અધ્યક્ષ

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. આ સમગ્ર પુનઃરચના ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદના નિયમો અનુસાર કાયદેસરની પ્રક્રિયાને અનુસરીને અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના આદિવાસી સમુદાયના સર્વાંગી કલ્યાણ અને વિકાસ સાથે જોડાયેલી મહત્વની બાબતો પર ઊંડાણપૂર્વક વિચારણા કરવા માટે આ પરિષદ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. આ નનવા માળખામાં સર્વોચ્ચ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી છે, જેઓ આ પરિષદનું નેતૃત્વ સંભાળશે.

આ પરિષદના સંચાલનમાં મુખ્યમંત્રીને સાથ આપવા માટે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલને ઉપાધ્યક્ષ તરીકે અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પુનમચંદ બરંડાને સહ ઉપાધ્યક્ષ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, આ પરિષદમાં સભ્ય તરીકે રાજ્યની વિવિધ આદિજાતિ બેઠકોનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરતા ચૌદ જેટલા લોકપ્રતિનિધિઓનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોમાં રમેશ કટારા, ડોક્ટર જયરામ ગામીત, નિમિષાબેન સુથાર, શૈલેષ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભેસિંહ તડવી, ડોક્ટર દર્શના દેશમુખ, મોહન ઢોડિયા, અનંતકુમાર પટેલ, અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી જેવા અગ્રણી નેતાઓ સામેલ છે.

આ તમામ નિયુક્ત સભ્યો આદિવાસી વિસ્તારોના પ્રશ્નો, સ્થાનિક જરૂરિયાતો અને વિવિધ વિકાસ યોજનાઓ સંદર્ભે પરિષદ સમક્ષ પોતાના મૂલ્યવાન સૂચનો રજૂ કરશે. આનાથી છેવાડાના માનવી અને અંતરિયાળ વિસ્તારો સુધી સરકારી યોજનાકીય લાભો વધુ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડી શકાશે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિધાનસભા દ્વારા ચૂંટાયેલા આ સભ્યોની મુદત તેમના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ સુધી જ મર્યાદિત રહેશે. આ પરિષદની પુનઃરચના થવાથી આદિવાસી પ્રજાજનોના સામાજિક તથા આર્થિક ઉત્થાન માટેના નીતિવિષયક નિર્ણયો લેવામાં સરકારને સીધું માર્ગદર્શન અને ઉત્તમ સલાહ પ્રાપ્ત થશે.

LATEST ARTICLES