JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

પિતા ગોવિંદા અને કોમલ રાનીના કથિત સંબંધોના વિવાદ પર ભડકી પુત્રી ટીના આહુજા, પત્રકારોના સવાલો ટાળી મંચ છોડ્યું

Oct 04, 2026 | 13:13 | By JAMNAGAR MIRROR
પિતા ગોવિંદા અને કોમલ રાનીના કથિત સંબંધોના વિવાદ પર ભડકી પુત્રી ટીના આહુજા, પત્રકારોના સવાલો ટાળી મંચ છોડ્યું

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના ચાર દાયકા જૂના લગ્નજીવનમાં હાલ ભારે વિવાદ ઊભો થયો છે. ગોવિંદાનું નામ તેમની આગામી ફિલ્મ 'રૂપા'ની સહ-અભિનેત્રી કોમલ રાની સરવણકર સાથે જોડવામાં આવી રહ્યું છે. ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શન વેળાએ બંનેની નિકટતા અને કોમલનો સિંદૂર લગાવેલો અંદાજ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સુનિતા આહુજાએ સીધું નામ લીધા વગર પોતાનું ઘર તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કોમલે પણ વળતા આક્ષેપો કર્યા હતા. આ પારિવારિક વિવાદમાં કશ્મીરા શાહ, દિવ્યા ખોસલા અને રાખી સાવંત જેવી અભિનેત્રીઓએ પણ ઝંપલાવી ગોવિંદાના સંબંધો પર સવાલો ઉઠાવ્યા છે.

પરિવારમાં ચાલી રહેલા આ આંતરિક ઘમાસાણ વચ્ચે હવે ગોવિંદાની પુત્રી ટીના આહુજાની પ્રતિક્રિયા સામે આવી છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલી ટીનાને જ્યારે પત્રકારોએ પરિવારના વિવાદ અંગે સવાલ પૂછ્યા ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી. એક પત્રકારે કોમલ રાની દ્વારા સોશિયલ મીડિયા પર તેની માતા વિશે કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સવાલ પૂર્ણ થાય તે પહેલાં જ ટીનાએ અકળાઈને કહ્યું કે આપણે અહીં તેના વિશે વાત કરીશું? આમ કહીને તેણે આગળ કોઈ વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

આ ઘટના બાદ ટીના વધુ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર તરત જ સ્ટેજ છોડીને જતી રહી હતી. જોકે તેણે ચહેરા પર સ્મિત જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના હાવભાવ પરથી સ્પષ્ટ જણાતું હતું કે તે આ કૌટુંબિક વિવાદથી અત્યંત પરેશાન અને નારાજ છે. તેણે ન તો પોતાની માતાના પક્ષમાં નિવેદન આપ્યું કે ન તો કોમલ વિરુદ્ધ કશું કહ્યું. ટીના આ મુદ્દાને વધુ હવા આપવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ, કોમલ રાનીએ દાવો કર્યો છે કે ગોવિંદા સાથેનો તેનો સંબંધ ફક્ત વ્યવસાયિક છે અને તમામ બાબતો માત્ર ફિલ્મ પ્રમોશન પૂરતી સીમિત છે.

LATEST ARTICLES