શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરતી એક ગૌરવશાળી ઘટના સામે આવી છે. વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી ચારૂતર વિદ્યામંડળ સંચાલિત અને સીવીએમ યુનિવર્સિટીની અક્ષમ્ય સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર એડવાન્સ સ્ટડીંજ એન્ડ રિસર્ચ આઇસ્ટાર સંસ્થાના પ્રખર ફેકલ્ટી ડૉ. રોહિત વેકરિયા તેમજ એન. વી. પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સના તેજસ્વી ફેકલ્ટી ડૉ. યાચના ઝાએ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક જગતમાં મોટી સફળતા મેળવી છે. આ બંને વિદ્વાનોએ સંશોધન ક્ષેત્રે આપેલા પોતાના ઉત્કૃષ્ટ યોગદાનના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે.
વિશ્વભરમાં સંશોધનો અને વૈજ્ઞાનિક કાર્યોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી અત્યંત પ્રતિષ્ઠિત એવી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી તથા એલ્સેવીર ડેટાબેઝ દ્વારા તાજેતરમાં વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં વલ્લભ વિદ્યાનગરના આ બંને પ્રતિભાશાળી સંશોધકોએ સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. તેમની આ વૈશ્વિક સ્તરની સિદ્ધિ માત્ર સંસ્થા કે યુનિવર્સિટી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશ માટે અત્યંત ગર્વની બાબત બની રહી છે. તેમના આ સંશોધનો ભવિષ્યની વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
બંને પ્રાધ્યાપકોની આ અત્યંત નોંધપાત્ર અને પ્રેરણાદાયી સિદ્ધિ બદલ ચારૂતર વિદ્યામંડળના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલ તેમજ રજિસ્ટ્રાર સંદિપ વાલિયા સહિતના અગ્રણીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સંસ્થાના મોભીઓ અને પદાધિકારીઓએ બંને તેજસ્વી ફેકલ્ટીઓને રૂબરૂ મળીને ઉષ્માભેર અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યના તેમના શૈક્ષણિક તથા સંશોધન કાર્યો માટે ઉત્તરોત્તર પ્રગતિની કામના કરી હતી. આ સફળતાથી યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને પણ ઉત્તમ કાર્ય કરવાની પ્રેરણા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
