JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગાંધીનગર જિલ્લાના શિહોલી પાસે ગરનાળા નજીક સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતનો ગંભીર ભય

Oct 23, 2026 | 02:00 | By JAMNAGAR MIRROR
ગાંધીનગર જિલ્લાના શિહોલી પાસે ગરનાળા નજીક સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતનો ગંભીર ભય

ગાંધીનગર પંથકમાંથી પસાર થતા માર્ગો પર વાહન વ્યવહારની સલામતીને લઈને એક ગંભીર લાપરવાહી સામે આવી છે. ચિલોડાથી શિહોલી તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડને તાજેતરમાં જ સિમેન્ટ કોંક્રીટથી અત્યાધુનિક બનાવવામાં આવ્યો છે. આ સુધારણા કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી, પરંતુ તંત્રની એક મોટી ભૂલના કારણે અહીં મુસાફરો અને વાહનચાલકોનો જીવ હંમેશા જોખમમાં રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ માર્ગ પર આવેલા ઓવરબ્રિજની નીચે આવેલા ગરનાળાની બંને બાજુએ અગાઉ વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા. પરંતુ નવા રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ, જવાબદાર સત્તાવાળાઓ દ્વારા ગરનાળાની સામે બંને તરફ ગતિ અવરોધક બનાવવાનું તદ્દન ભૂલી જવામાં આવ્યું છે. સ્પીડ બ્રેકરના આ અભાવના કારણે ગરનાળામાંથી બહાર નીકળીને સીધા સર્વિસ રોડ પર આવતા વાહનચાલકો અસાવd થઈ જાય છે, જ્યારે મુખ્ય સર્વિસ રોડ પર પૂરઝડપે દોડતા વાહનો અચાનક સામે આવી જતા ભયાનક અકસ્માતો સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે.

આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરોમાં ભારે રોષ અને ચિંતા પ્રવર્તી રહી છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ ગરનાળા પાસેના નવા સર્વિસ રોડ પર બંને તરફ યોગ્ય અને ધોરણસરના સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, જેથી નિર્દોષ નાગરિકોના પ્રાણનું જોખમ ટળી શકે અને ટ્રાફિક વ્યવસ્થા સુરક્ષિત બની શકે.

LATEST ARTICLES