રાજકોટ તાલુકાના પાડાસણ ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના ચાર વર્ષના માસૂમ બાળકના રમતા રમતા ગળામાં કોઈ અજાણી વસ્તુ ફસાઈ જવાને કારણે શ્વાસ રૂંધાવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને માસૂમ બાળકના અકાળે અવસાનથી માતા-પિતા સહિતના સ્વજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાડાસણ ગામે એક વાડીમાં રહીને ગુજરાન ચલાવતા અને મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો કાર્તિક નામનો માસૂમ બાળક બપોરના સમયે વાડીની અંદર પોતાના ભાઈ સાથે રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક બાળકના ગળામાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ હતી, જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આ અંગે બાળકના પિતરાઈ ભાઈએ તુરંત જ પરિવારના સભ્યોને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકના ગળામાં કઈંક ફસાયું હોવાની શંકાએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન બાળક બેભાન થઈ ગયો હતો.
પરિવારજનો દ્વારા તાત્કાલિક ધોરણે માસૂમ બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના ગળાના ભાગે શંકાસ્પદ કાળો ડાઘ જોવા મળતા, મૃત્યુનું ચોક્કસ કારણ બહાર લાવવા માટે પોલીસે ફોરેન્સિક પીએમ અર્થે મોકલી આપી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. નાની વયના બાળકના આ પ્રકારે થયેલા આકસ્મિક મૃત્યુએ સમગ્ર વિસ્તારમાં હળકમક મચાવી દીધી છે.
