ઐતિહાસિક અને પવિત્ર નગરી દ્વારકામાં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક વારસા અને આધુનિક ટેક્નોલોજીનો અદ્ભુત સમન્વય જોવા મળશે. અહીં અંદાજે સત્તાણું કરોડ રૂપિયાના મસમોટા ખર્ચે ભવ્ય અને અત્યાધુનિક શ્રી કૃષ્ણ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ દેશના વડાપ્રધાનના ‘વિકાસ પણ અને વિરાસત પણ’ ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. આ સંગ્રહાલય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, તેમના દિવ્ય તત્ત્વજ્ઞાન તેમજ પવિત્ર ભગવદ્ ગીતાના જીવનોપયોગી સંદેશને દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ એક જ સ્થળે સુવ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવશે.
પરંપરાગત સંગ્રહાલયોની વ્યાખ્યાથી ઉપર ઉઠીને આ મ્યુઝિયમને સંપૂર્ણપણે ડિજિટલ અને ભવ્ય સ્વરૂપ આપવામાં આવશે. આ પ્રકલ્પ અંતર્ગત કુલ નવ વિશેષ થીમેટિક ગેલેરીઓનું નિર્માણ થશે, જેના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓથી લઈને દ્વારકાધીશ સુધીની તમામ દિવ્ય લીલાઓ અને જીવનપ્રસંગોને અત્યંત આકર્ષક રીતે દર્શાવવામાં આવશે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી નવી પેઢી આપણા મહાન સાંસ્કૃતિક વારસાથી માહિતગાર થઈ શકશે અને મુલાકાતીઓ શ્રીકૃષ્ણના જીવન સાથે ભાવનાત્મક તેમજ બૌદ્ધિક રીતે ઊંડાણપૂર્વક જોડાઈ શકશે.
આ મ્યુઝિયમની મુલાકાત લેનાર પ્રવાસીઓ માટે અનેકવિધ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, અત્યાધુનિક સાઉન્ડ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, ત્રિપરિમાણીય પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન કિઓસ્ક અને મોશન સેન્સર જેવી આધુનિક તકનીકોનો સમાવેશ થાય છે. આ તમામ અદ્યતન સુવિધાઓના કારણે મુલાકાતીઓ માત્ર મૂક દર્શક બનીને નહીં રહે, પરંતુ પ્રસ્તુતિઓ સાથે સક્રિયપણે જોડાઈને દિવ્ય અનુભૂતિ કરી શકશે. દ્વારકાના પ્રવાસન ક્ષેત્રમાં આ મ્યુઝિયમ સોનામાં સુગંધ ભળવા સમાન બની રહેશે અને સમગ્ર વિશ્વમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે આકર્ષક કેન્દ્ર બનશે.
