આજના સમયમાં અનિયમિત જીવનશૈલી અને ખાવાપીણીની ખોટી આદતોને કારણે ફેટી લીવરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. કેન્સરનું નામ સાંભળતાં જ લોકોમાં ભારે ચિંતા ફેલાઈ જાય છે, ત્યારે અનેક લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે શું ફેટી લીવર ધરાવતા દર્દીઓને પણ કેન્સર થવાનું જોખમ રહેલું છે? તબીબી નિષ્ણાતોના મતે ફેટી લીવર ધરાવતા દરેક વ્યક્તિને કેન્સર થાય તેવું જરૂરી નથી, પરંતુ જો આ બીમારીની યોગ્ય કાળજી રાખવામાં ન આવે અને તે લાંબા સમય સુધી વણઉકેલાયેલી રહે, તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. શરીરમાં ચરબી જમા થવાથી શરૂ થતી આ સમસ્યા સમય જતાં લીવરના કોષોને નુકસાન પહોંચાડે છે અને સોજો તથા ફાઇબ્રોસિસ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે, જેનાથી ભવિષ્યમાં સ્વાસ્થ્ય જોખમ વધી શકે છે.
ચિકિત્સા વિજ્ઞાન અનુસાર ફેટી લીવરના દર્દીઓમાં લીવરમાં સોજો અને કોષોને નુકસાન થવાની સ્થિતિને મેટાબોલિક ડિસફંક્શન-એસોસિયેટેડ સ્ટેટોહેપેટાઇટિસ કહેવામાં આવે છે. જો આ સ્થિતિ પર સમયસર કાબૂ ન મેળવવામાં આવે તો લીવરમાં ડાઘ પડવાની પ્રક્રિયા શરૂ થાય છે જેને ફાઇબ્રોસિસ કહે છે, જે આગળ જતાં સિરોસિસ જેવી ગંભીર બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે. સિરોસિસથી પીડિત દર્દીઓમાં લીવર કેન્સર થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. આ ઉપરાંત ટાઇપ-બે ડાયાબિટીસ, સ્થૂળતા, મેટાબોલિક સિન્ડ્રોમ તેમજ હેપેટાઇટિસ જેવા ચેપ પણ લીવર સંબંધિત બીમારીઓનું જોખમ અનેકગણું વધારી દે છે. જોકે કેટલાક કિસ્સાઓમાં સિરોસિસ વિના પણ કેન્સર થઈ શકતું હોવાથી માત્ર લક્ષણોના આધારે જોખમ નક્કી ન કરવું જોઈએ, પરંતુ નિષ્ણાત તૉક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી અત્યંત આવશ્યક છે.
આ ગંભીર બીમારીથી બચવા અને લીવરને સ્વસ્થ રાખવા માટે જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો લાવવા સૌથી મોટું હથિયાર છે. આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી અને ફાઇબરયુક્ત ખોરાકનો મહત્તમ સમાવેશ કરવો જોઈએ જ્યારે તળેલા, મેદાવાળા અને પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહેવું હિતાવહ છે. નિયમિત વ્યાયામ કે યોગાસન દ્વારા વજનને નિયંત્રણમાં રાખવું અને ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું યોગ્ય સંચાલન કરવું લીવરના સ્વાસ્થ્ય માટે રક્ષણાત્મક સાબિત થાય છે. આ ઉપરાંત દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. ફેટી લીવરના પ્રારંભિક તબક્કામાં કોઈ મોટા લક્ષણો દેખાતા નથી, તેથી જાગરૂક બનીને યોગ્ય સમયે નિદાન કરાવવું અને તબીબી માર્ગદર્શન અપનાવવું એજ લીવરને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
