JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

તારાપુરમાં સહકાર ભારતીની અર્બન બેંકની ચિંતન બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રના વિકાસ પર ભાર મુકાયો

Oct 22, 2026 | 02:40 | By JAMNAGAR MIRROR
તારાપુરમાં સહકાર ભારતીની અર્બન બેંકની ચિંતન બેઠક યોજાઈ, સહકારી ક્ષેત્રના વિકાસ પર ભાર મુકાયો

આણંદ અને ખેડા જિલ્લાની અર્બન સહકારી બેંકોના હોદ્દેદારો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સહકાર ભારતી અર્બન બેંક પ્રકોષ્ઠની મહત્વપૂર્ણ ચિંતન બેઠક તારાપુર અર્બન કો-ઓપરેટિવ બેંકના સભાખંડમાં ભવ્ય રીતે યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને તેનો વ્યાપ વધારવા માટે અનેક મહત્વના મુદ્દાઓ પર ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહકારી આંદોલનને ગ્રામીણ અને શહેરી સ્તરે લોકભોગ્ય બનાવવા માટે ઉપસ્થિત અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ ગરિમાપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય પશ્ચિમ ક્ષેત્ર સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે, ગુજરાત પ્રદેશ સહસંયોજક કેતનભાઈ પટેલ, આણંદ વિભાગના સહસંયોજક શિતલભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા અધ્યક્ષ કમલેશભાઈ સી. પટેલ, મંત્રી કાર્તિકભાઈ પટેલ તેમજ અર્બન બેંક પ્રકોષ્ઠના જિલ્લા પ્રમુખ ઠાકોરભાઈ જે. પટેલ સહિતના અનેક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. આ બેઠક દરમિયાન સહકારી બેંકોના સર્વાંગી વિકાસ, સહકારના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન, સહકારી કાયદાઓ અને કાનૂનોના સચોટ અમલ તેમજ સહકારથી સમૃદ્ધિના ઉમદા ધ્યેય અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આણંદ અને ખેડા જિલ્લાની અર્બન, નાગરિક, પીપલ્સ તેમજ મર્કન્ટાઇલ સહકારી બેંકોના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

આ બેઠકના અંતે સહકારી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર સંસ્થાઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકની એકસો પંદર વર્ષથી વધુ સમયની ગૌરવપૂર્ણ અને નિઃસ્વાર્થ સેવાયાત્રાને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા વિશેષરૂપે બિરદાવવામાં આવી હતી. સંઘના આ શતાબ્દી વર્ષ નિમિત્તે બેંકના હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરવાની સાથે એવોર્ડ એનાયત કરીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનથી સહકારી ક્ષેત્રના અગ્રણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભવિષ્યમાં સહકારી બેંકો જનહિત માટે વધુ સક્રિય બનીને કાર્ય કરશે તેવી દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

LATEST ARTICLES