વલ્લભ વિદ્યાનગર નજીક આવેલા જીટોડિયાના ચાવડાપુરા ખાતે વિજયાપદદશમીના પાવન અવસરે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે સોળમા ભક્તિમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પવિત્ર દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ ધાર્મિક સમારોહને સંબોધતા ફાધર ફ્રાંસીસ પરમારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજના અશાંત અને ભાગદોડ ભરેલા યુગમાં માનવજીવનને સાચી દિશા અને માનસિક શાંતિ પ્રદાન કરવા માટે માતા મરિયમનું જીવન અને તેમની પ્રભુવાણી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા એક અમોગ દિવાદાંડી સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માતા મરિયમે પોતાના સમ્પૂર્ણ જીવનમાં પ્રભુની પવિત્ર વાણીને આત્મસાત કરીને તે મુજબનું જીવન જીવવાનો દિવ્ય રાહ અપનાવ્યો હતો, જે આજના સમાજ માટે હંમેશાં પ્રેરણાદાયી બની રહેશે.
આ મંગલ પ્રસંગે મદદનીશ સભા પુરોહિત ફાધર આરોકયેમ, ફાધર વિજય, ફાધર પ્રમોદ તેમજ વિવિધ પંથકોમાંથી પધારેલા પચ્ચીસ જેટલા ધર્મગુરુઓ, ધર્મબહેનો સહિત આણંદ, ખેડા અને અન્ય પડોશી જિલ્લાઓમાંથી આવેલા અસંખ્ય શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ ભક્તોએ માતા મરિયમના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી અને આ ભક્તિમેળાના માધ્યમથી દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરી હતી.
