વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વણઉકેલાતો પ્રશ્ન બની રહી છે અને તે સ્થાનિક રહેવાસીઓ તથા વાહનચાલકો માટે ભારે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. શહેરમાં વાહનોની દિનપ્રતિદિન વધતી જતી સંખ્યાની સાથે બેફામ અને અણઘડ રીતે વાહનો પાર્ક કરવાની પ્રવૃત્તિ વધી ગઈ છે, જેના કારણે ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. પ્રશાસનની ઘોર બેદરકારી અને નિયમોના કડક અમલીકરણના અભાવે નાગરિકોને રોજબરોજ અસહ્ય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તાથી ગૌ સર્કલ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ માર્ગની આસપાસ અનેક મહત્વની હોસ્પિટલો આવેલી હોવાને કારણે અહીં દર્દીઓ અને લોકોની સતત અવરજવર રહે છે. પરંતુ કેટલાક બેજવાબદાર વાહનચાલકો દ્વારા પોતાના વાહનો ગમે ત્યાં આડેધડ ઊભા રાખી દેવામાં આવતા હોવાથી સમગ્ર રસ્તો બ્લોક થઈ જાય છે, જેના પરિણામે ત્યાંથી પસાર થતા અન્ય નાગરિકો અટવાઈ જાય છે.
આ ગંભીર સમસ્યાને લીધે હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે આવતા ગંભીર દર્દીઓ અને તેમના સ્વજનોને અત્યંત દયનીય સ્થિતિનો સામનો કરવો પડે છે. જો કોઈ કટોકટીની ક્ષણે એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ ઈમરજન્સી વાહનને હોસ્પિટલ તરફ જવાનું થાય, તો આ ટ્રાફિક જામના કારણે તે ફસાઈ જવાની પૂરેપૂરી સંભાવના રહે છે, જે માનવજીવન માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકો દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.
