JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

થરાદના આછુવા ગામની સીમમાં નર્મદા કેનાલના લીકેજથી સો એકર જમીન બંજર બનતા ખેડૂતો મુશ્કેલીમાં

Oct 22, 2026 | 01:35 | By JAMNAGAR MIRROR
થરાદના આછુવા ગામની સીમમાં નર્મદા કેનાલના લીકેજથી સો એકર જમીન બંજર બનતા ખેડૂતો મુશ્કેલીમાં

વાવ અને થરાદ પંથકના સરહદી વિસ્તારમાં ખેડૂતોના ઉત્કર્ષ માટે નિર્માણ પામેલી નર્મદા કેનાલ હવે સ્થાનિક અન્નદાતાઓ માટે અભિશાપ સાબિત થઈ રહી છે. ધરણીધર વિસ્તારના આછુવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની ગંભીર બેદરકારી અને જર્જરિત હાલતના કારણે આશરે એક સો એકર જેટલી ફળદ્રુપ અને ઉપજાઉ જમીન સંપૂર્ણપણે બંજર અવસ્થામાં ફેરવાઈ ગઈ છે. કેનાલના નિર્માણકાળ દરમિયાન તલસ્પર્શી આયોજનના અભાવે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું ન હતું, જેના કારણે સતત વહેતા પાણીનો અતિશય ભેજ સીધો આજુબાજુની જમીનમાં ઉતરી ગયો છે. આ ભયાનક ભેજ અને પાણી ભરાવાની સમસ્યાના લીધે ખેતરોમાં ટ્રેક્ટર ચલાવવું કે ખેડકામ કરવું પણ અશક્ય બની ગયું છે.

એક સમય હતો જ્યારે આ વિસ્તારના ખેડૂતો કુવા અને બોરના પાણીના ભરોસે ખેતી કરતા હતા, પરંતુ પાણીના તળ હજારો ફૂટ ઊંડા જતા સરકાર દ્વારા નર્મદા યોજનાના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આછુવા ગામની સીમમાં કેનાલની ત્રુટિભરેલી સિસ્ટમના કારણે છેલ્લા બે વર્ષથી એકપણ સિઝનનો પાક લઈ શકાતો નથી. ચોમાસું, શિયાળુ કે ઉનાળુ કોઈ પણ ઋતુમાં પાકનું વાવેતર કરવું અસંભવ બન્યું છે. એક તરફ કેનાલના લીકેજના પ્રકોપથી જમીન નકામી થઈ ગઈ છે, તો બીજી તરફ સિસ્ટમની ખામીના લીધે પાણી માત્ર શરૂઆતના ખેતરો પૂરતું સીમિત રહે છે અને છેવાડાના ખેડૂતોના ખેતરો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી.

પોતાની જ સ્વમાલિકીની જમીન હોવા છતાં પાક ન ઉગી શકવાના કારણે પચાસથી વધુ પરિવારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. પરિવારનું ગુજરાન ચલાવવા અને પેટનો ખાડો પૂરવા માટે આ ખેડૂતોએ મજબૂર થઈને અન્ય જગ્યાએ મજૂરી કરવી પડે છે અથવા બીજાના ખેતરોમાં ભાગે ખેતી કરવાનો વારો આવ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે ગામના સરપંચ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા સંબંધીત સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્રને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. પાયમાલ થઈ રહેલા આ ખેડૂતોની નર્મદા નિગમ અને સરકાર પાસે ઉગ્ર માંગ છે કે ત્વરિત ધોરણે કેનાલનું સમારકામ કરવામાં આવે, લીકેજ અટકાવવામાં આવે અને છેવાડાના તમામ ખેડૂતો સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી અન્નદાતાઓ ફરીથી પોતાની જમીનમાંથી આજીવિકા મેળવી શકે.

LATEST ARTICLES