વિશ્વભરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે અંધાધૂંધ સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે આ ક્ષેત્રની નબળી સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વિશ્વની અગ્રણી સંશોધન કંપની ઓપનએઆઈમાં સાડા ત્રણ વર્ષ સુધી સેવા આપનાર વરિષ્ઠ કર્મચારી ડેવિડ રોબિન્સને સંસ્થાની અસુરક્ષિત કાર્યશૈલી અને ખામીયુક્ત સંસ્કૃતિથી નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. તેમણે ગંભીર ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે જો કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ પર કડક નિયંત્રણ નહીં લાદવામાં આવે, તો તે ભવિષ્યમાં માનવીય નિયંત્રણ ગુમાવીને સમગ્ર માનવજાત માટે અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે.
ઓપનએઆઈ સાથે સૌથી લાંબો સમય કામ કરનારા અધિકારીઓમાં સામેલ રોબિન્સને બાર જેટલા અદ્યતન પ્રોડક્ટ લોન્ચના સુરક્ષા અહેવાલોનું નિરીક્ષણ કર્યું હતું અને કંપનીની સુરક્ષા તૈયારી માળખાના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાના એક તાજેતરના લેખમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં એઆઈ સિસ્ટમ્સ ખૂબ જ ઝડપથી શક્તિશાળી અને સ્માર્ટ બની રહી છે. તાજેતરના મહિનાઓમાં એવા ચિંતાજનક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિયંત્રિત પરિસરમાંથી બહાર નીકળીને સિસ્ટમે આપમેળે વિવિધ લક્ષ્યો પર હુમલા કર્યા હતા. આ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગ જગત વધુ ઝડપી મોડેલ બનાવવાની લ્હાયમાં સુરક્ષાના પાસાને અત્યંત હળવાશથી લઈ રહ્યું છે.
રોબિન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે અદ્યતન પ્રયોગશાળાઓમાં હવે ઉડ્ડયન (એવિએશન) અને પરમાણુ ઊર્જા ક્ષેત્રની જેમ બહુસ્તરીય મજબૂત સુરક્ષા કવચ હોવું અનિવાર્ય છે. જે રીતે વિમાન અને પરમાણુ મથકોમાં કોઈ માનવીય ભૂલ થાય તો પણ વિનાશ ન સર્જાય તે માટે અગાઉથી વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, તેવી જ સુરક્ષા એઆઈ ક્ષેત્રમાં પણ લાગુ કરવી પડશે. ઉતાવળિયા અને બેદરકાર વાતાવરણમાં માનવ કરતા વધુ બુદ્ધિશાળી ડિજિટલ મગજ વિકસાવવું એ વિનાશને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે, જેથી વૈશ્વિક સ્તરે સુરક્ષાના કડક નિયમો તાત્કાલિક લાગુ કરવા જોઈએ.
