દેશના સૌથી કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈમાં બનેલી અનેક ગંભીર ઘટનાઓ અને હુમલાઓ સાથે આ ગેંગનું નામ જોડાયેલું હોવા છતાં, મુંબઈ પોલીસ આ ગેંગસ્ટરની કસ્ટડી મેળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઓગસ્ટ ૨૦૨૩માં જારી કરવામાં આવેલા ખાસ આદેશને કારણે તેને ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાંથી બહાર ખસેડી શકાતો નથી. જૂના કાયદાની જોગવાઈઓ અને નવા ફોજદારી કાયદાના નિયમો હેઠળ આ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે આ કુખ્યાત અપરાધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી વખતે જાહેર વ્યવશાને નુકસાન થઈ શકે છે અથવા હિંસા ફાટી નીકળવાની પૂરી શક્યતા રહેલી છે.
મુંબઈના પ્રખ્યાત અભિનેતા પર થયેલા તાજેતરના હુમલા બાદ આ મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. અભિનેતા સાથેના સંબંધોને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ બાંદ્રા વિસ્તારમાં એક અભિનેતાના નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટના અને એક દિગ્ગજ રાજકારણીની હત્યા જેવા ગંભીર ગુનાઓમાં આ જ ગેંગનું નામ સામે આવ્યું હતું. જોકે, પોલીસ માત્ર નીચલા સ્તરના શૂટર્સ અને હથિયારો પૂરા પાડનારા લોકોની જ ધરપકડ કરી શકી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકી નથી. મુંબઈ પોલીસનું માનવું છે કે મોટા અપરાધીઓ પાસેથી સાચી માહિતી કઢાવવા માટે રૂબરૂ પૂછપરછ કરવી અત્યંત અનિવાર્ય છે, જ્યારે માત્ર વિડિયો કોલ કે જેલની અંદર રહીને થતી પૂછપરછથી તપાસમાં કોઈ ખાસ ફાયદો થતો નથી.
અગાઉ ભૂતકાળમાં પણ અન્ય કુખ્યાત અંડરવર્લ્ડ ડોનને આ પ્રકારનું વિશેષ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આજના સમયમાં પણ આ ગેંગના સભ્યો દેશની વિવિધ જેલોમાં બંધ છે અને વિદેશી ધરતી પરથી પણ પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને વિપક્ષી નેતાઓ દ્વારા સરકાર સમક્ષ આ વિશેષ રક્ષણ પાછું ખેંચવાની માંગણી કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ માટે આ ગેંગના નેતાની પૂછપરછ ન કરી શકવી એ તપાસની દિશામાં એક મોટો અવરોધ બનીને ઉભો રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ અને સરકાર વચ્ચેના આ આદેશને કારણે ન્યાયિક પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
