JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલ કાંડમાં તંત્રની આંખ ઊઘડી, તપાસ કમિટી રચીને માંગ્યો ખુલાસો

Oct 21, 2026 | 17:15 | By JAMNAGAR MIRROR
રાજકોટ સિવિલ હોસ્પિટલ કાંડમાં તંત્રની આંખ ઊઘડી, તપાસ કમિટી રચીને માંગ્યો ખુલાસો

રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં એક લાચાર અને અશક્ત વયોવૃદ્ધ પત્ની દ્વારા બીમાર પતિને સ્ટ્રેચર પર બેસાડીને જાતે જ હોસ્પિટલના ધક્કા ખેંચવાનો કાળજું કંપાવી દેતો અમાનવીય વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યના નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ શરમજનક ઘટના સામે આવ્યા બાદ આખરે પ્રશાસનની નિંદ્રા ઊડી છે અને રાજ્યના આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લઈને હોસ્પિટલ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સત્તાવાર ખુલાસો માંગ્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક વિશેષ તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે અને દર્દીઓને સહાય પૂરી પાડતી આઉટસોર્સિંગ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે આ સમગ્ર ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને એવો બચાવ કર્યો છે કે ઘટના સમયે કદાચ સંબંધિત અટેન્ડન્ટ હાજર નહીં હોય. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નવી નિયમાવલી અથવા તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે, આ કાગળ પરની કાર્યવાહી અને તપાસ સમિતિના નામે કરવામાં આવતા બચાવ સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જનતા પૂછી રહી છે કે શું આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને યોગ્ય સમયે સ્ટ્રેચર કે વ્હીલચેર મળી રહે તેવી કોઈ સાદી વ્યવસ્થા પણ નથી?

સૌથી મોટો અને વેધક સવાલ એ છે કે શું કોઈ લાચાર અને બીમાર દર્દીની મદદ કરવા માટે કે માનવતા દાખવવા માટે પણ કોઈ સરકારી પરિપત્ર કે નિયમ પુસ્તિકાની રાહ જોવાની હોય છે? વીડિયોમાં પ્રત્યક્ષ પુરાવા હોવા છતાં અને ખુલ્લી બેદરકારી દેખાતી હોવા છતાં માત્ર કમિટી રચીને મામલાને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સમાંથી ખાનગી એજન્સીઓને આડેધડ ચૂકવણી કરવામાં આવે છે, છતાં દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવે છે તે અત્યંત ચિંતાજનક છે.

માત્ર કાગળ પર ચાલતી તપાસ સમિતિઓ અને સામાન્ય નોટિસોથી સરકારી હોસ્પિટલોની સંવેદનહીનતા કે લાપરવાહી દૂર નહીં થાય. જનતા અને સામાજિક આગેવાનો હવે સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે માત્ર દેખાડાની તપાસ કરવાના બદલે ગસૂરવાર કોન્ટ્રાક્ટ એજન્સીઓ અને ફરજમાં નિષ્કાળજી દાખવનાર કર્મચારીઓ સામે કડકમાં કડક દાખલારૂપ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દર્દી કે તેના સ્વજને આવી અમાનવીય પરિસ્થિતિનો સામનો કરવો ન પડે.

LATEST ARTICLES