સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રેમલગ્નના એક ગંભીર મામલે કડવા પાટીદાર સમાજના લોકો દ્વારા ઉગ્ર હોબાળો મચાવવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ ફોજદારી ફરિયાદ ન નોંધાતા આખરે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. વડાલી પોલીસની શંકાસ્પદ અને નબળી કામગીરી સામે રોષે ભરાયેલા સમાજની બહોળી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થઈને અચાનક પોલીસ સ્ટેશન પર દોડી આવ્યા હતા અને જોરદાર દેખાવો શરૂ કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક અને યુવતી વચ્ચે થયેલા પ્રેમલગ્નને લઈને બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. યુવતીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે યુવકના સગા સંબંધીઓ દ્વારા સતત હેરાનગતિ ગુજારવામાં આવી રહી છે. ખાસ કરીને આ પ્રેમલગ્ન કરનાર યુવકનો એક અંગત સ્વજન હાલમાં ભારતીય પોલીસ સેવા અર્થાત્ આઈપીએસની તાલીમ મેળવી રહ્યો છે, જેના જોરે પાવર બતાવીને પીડિત પરિવાર અને સમગ્ર સમાજ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે અને પરેશાન કરાઈ રહ્યા છે તેવી પણ ચર્ચાઓ વ્યાપક બની છે. આટલી ગંભીર બાબતો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા.
પોલીસ સ્ટેશન ખાતે થયેલા આ ઉગ્ર દેખાવો દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું. સમાજની મહિલાઓએ પોલીસની નિષ્ફળ કાર્યશૈલી સામે સવાલો ઉઠાવતા ઉગ્ર છાજિયા લીધા હતા અને પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા પર બેસીને ઘેરાવ કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ રહી કે આટલો મોટો હોબાળો મચ્યો હોવા છતાં પોલીસ મથકના જવાબદાર ઇન્સ્પેક્ટર ઘટનાસ્થળે હાજર ન રહ્યા અને ગાયબ રહ્યા હતા, જેના કારણે જનમેદનીનો રોષ વધુ ભડક્યો હતો. જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી પોલીસ મથક નહીં છોડવાની ચીમકી લોકોએ ઉચ્ચારી છે.
