રાજ્યભરમાંથી નૈઋત્યના ચોમાસાએ હવે વિધિવત રીતે વિદાય લઈ લીધી છે, જેની સાથે જ નાગરિકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી ચોમાસાની પૂર્ણાહુતિની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચોમાસું વિદાય લેતાં જ આકાશ એકદમ સ્વચ્છ બન્યું છે અને વાતાવરણમાં ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવા લાગ્યા છે. જોકે, ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં સૂર્યનારાયણના આકરા મિજાજને કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન આકરો તાપ અને મોડી રાત્રે તેમજ વહેલી સવારે અનુભવાતી હળવી ઠંડકને પગલે મિશ્ર વાતાવરણ સર્જાતાં ઋતુજન્ય બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ઊંચકાતાં લોકો અકળામણ અનુભવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ૩૮.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું છે. આ ઉપરાંત કંડલામાં ૩૮.૪, સુરેન્દ્રનગરમાં ૩૮.૧, પોરબંદરમાં ૩૭.૬, અમરેલીમાં ૩૭.૩ અને અમદાવાદમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં પાછોતરા વરસાદને લીધે ઊભા મોલને જીવનદાન જરૂર મળ્યું છે, પરંતુ મોટાભાગના ડેમ અને જળાશયોમાં અપેક્ષિત જળસંગ્રહ ન થતાં આગામી રવિ સિઝનમાં સિંચાઈ માટે પાણીની ખેંચ ઊભી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
બીજી તરફ, વહેલી સવારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુલાબી ઠંડી અને ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા અને ઓખા પંથકમાં સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા સુધી પહોંચી જતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. કચ્છના નલિયામાં પણ સવારે આહ્લાદક ધુમ્મસ છવાયું હતું. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લામાં આ વર્ષે ૧૩૬ ટકાથી વધુ સારો વરસાદ વરસ્યો છે, જ્યાં હવે વાદળો વિખેરાતાં ધીમે ધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.
