કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે આંદોલનને હાલ પૂરતું સ્થગિત રાખવાની જાહેરાત કરી છે. વિજયાશદમીના પાવન અવસરે જારી કરાયેલા એક સંદેશમાં તેમણે સમર્થકોને અપીલ કરી છે કે તેઓ તહેવારોના આ દિવસોમાં પોતાના પરિવારજનો અને સ્વજનો સાથે સમય વિતાવે. આંદોલનની આગેવાની કરનાર મુખ્ય પ્રવક્તાઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે તેમના માટે પ્રાર્થના કરવા અને નફરતથી દૂર રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ આંદોલનની સૌથી મોટી તાકાત શાંતિ, કરુણા અને પરસ્પર પ્રેમ છે.
મુખ્ય ચૂંટણી આયુક્તના કાર્યપદ્ધતિ સામે અને મતદાર યાદીના ખાસ પુનરાવર્તનમાં અનિયમિતતાના વિરોધમાં દિલ્હી ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અટકાયતો કરવામાં આવી હતી. આંદોલનના મુખ્ય ચહેરા ગણાતા પ્રવક્તાઓ વિરુદ્ધના આક્ષેપો અને કસ્ટડી લંબાવાના મામલે સંસ્થાપકે ટીકાકારોને આડે હાથ લીધા હતા. તેમણે વિરોધ પ્રદર્શનોની સરખામણી વિદેશી રાષ્ટ્રોમાં થયેલી હિંસક ઘટનાઓ સાથે કરનારાઓની ટીકા કરતા જણાવ્યું હતું કે, તેમના સાથીઓએ કોઈપણ પ્રકારની હિંસા વિના અને સ્મિત સાથે જેલવાસ સ્વીકાર્યો છે.
ભાવુક અંદાજમાં વાત કરતા સંસ્થાપકે જેલવાસ ભોગવી રહેલા સાથીઓને આ આંદોલનના વાસ્તવિક નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, બહારના લોકો ભલે તેમને મુખ્ય ચહેરો માનતા હોય, પરંતુ વાસ્તવિક નિર્ણયો અને આંદોલનની રૂપરેખા તેમના સાથીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવતી હતી. આંદોલન સાથે જોડાયેલા તમામ સ્વયંસેવકો અને તેમના પરિવારોએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેને ધ્યાનમાં રાખીને હાલ શાંતિ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીના આદર્શ અને અહિંસાના માર્ગ પર ચાલનારા સમર્થકો ટૂંક સમયમાં જ હસતા મુખે જેલમાંથી મુક્ત થશે તેમ પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.
