મુંબઈના જુહુ વિસ્તારમાં જાણીતા અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોનું મૂળ નિશાન આ અભિનેતા ન હતો, પરંતુ તેઓ અન્ય કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને ખતમ કરવાના ઈરાદાથી મુંબઈ આવ્યા હતા. બિહાર અને હરિયાણાથી આવેલા ત્રણ શંકાસ્પદ યુવકોએ રવિવારની સાંજે ફૂટબોલ મેચ રમીને પર ફરી રહેલા અભિનેતાની કાર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય લક્ષ્ય સુધી પહોંચવામાં અસફળ રહેવાથી બદલાયેલી યોજના હેઠળ આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ જ્યારે જોયું કે તેમના મૂળ નિશાન સુધી પહોંચવું અસંભવ છે, ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ જાણકારીઓનો અભ્યાસ કર્યો. અભિનેતાના પ્રશંસકો દ્વારા અપલોડ કરાયેલી રીલ્સ અને ફોટા પરથી તેમને ખબર પડી કે આ કલાકાર પાસે કોઈ પોલીસ સુરક્ષા નથી. આ માહિતી મળ્યા બાદ તેમણે પોતાનું લક્ષ્ય બદલી નાખ્યું અને બોલિવૂડમાં ભય ફેલાવવાના હેતુથી અભિનેતાને નિશાન બનાવવાનું નક્કી કર્યું. આરોપીઓએ કાર પર સાત રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને વધુ ગોળીઓ ચલાવવાની યોજના હતી, પરંતુ હથિયાર જામ થઈ જવાથી તેઓ વધુ નુકસાન પહોંચાડી શક્યા નહીં. આ હુમલામાં અભિનેતા અને તેમનો વાહનચાલક ઘાયલ થયા હતા, જોકે તેઓ સુરક્ષિત સ્થળે પહોંચવામાં સફળ રહ્યા હતા.
આ ઘટનાના થોડા જ કલાકો બાદ, કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારતી એક ઓડિયો કિલપ જાહેર કરી છે. ગેંગના એક સભ્યએ જણાવ્યું કે અભિનેતાને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ ચોક્કસ લોકો સાથે સંબંધો તોડી નાખે, પરંતુ વાત ન માનવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. ફિલ્મ જગતમાં ડર ફેલાવવા અને પોતાની વાત મનાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. હુમલાખોરોને અગાઉ એડવાન્સ રકમ આપવામાં આવી હતી અને કામ પૂરું થયા બાદ વિદેશમાં નોકરી તેમજ વધુ પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. રાજ્યના અગ્રણી નેતાઓએ પીડિત કલાકારના નિવાસ્થાને જઈને મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવ્સ્થા અંગે ખાતરી આપી હતી. સરકારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે મહાનગરમાં કોઈપણ પ્રકારની દાદાગીરી કે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ આંતરરાજ્ય ગેંગના નેટવર્કને તોડી પાડવા અને આ કાવતરા પાછળ રહેલા અન્ય મુખ્ય સૂત્રધારોને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
