JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

નર્મદા ડેમ છલોછલ છતાં ઓછું પાણી વાપરવા મંત્રીની ટકોર, ખેડૂતોને સાવચેત રહેવા અપીલ

Oct 19, 2026 | 20:00 | By JAMNAGAR MIRROR
નર્મદા ડેમ છલોછલ છતાં ઓછું પાણી વાપરવા મંત્રીની ટકોર, ખેડૂતોને સાવચેત રહેવા અપીલ

ગુજરાતમાં આ વર્ષે અલ-નિનોની વિપરીત અસરના કારણે સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે, જેના લીધે બનાસકાંઠા અને વાવ થરાદ જેવા સરહદી જિલ્લાઓમાં ખેડૂતો તેમજ પશુપાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અપૂરતા વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને પશુઓ માટે ઘાસચારાની પણ તંગી ઊભી થઈ છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં નર્મદા ડેમ પાણીથી છલોછલ ભરેલો હોવા છતાં, વાવ થરાદ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે મર્યાદિત પાણી મળવાના સંકેતો સામે આવ્યા છે. આ સ્થિતિને સ્પષ્ટ કરતા રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે એક જાહેર સભામાં ખેડૂતોને ઓછા પાણીથી પાકની વાવણી કરવાની નમ્ર અપીલ કરી છે.

વાવ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પોતાનાક્તવ્ય અંગે વિસ્તૃત ખુલાસો કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં રાજ્યમાં કોઈ ગંભીર જળસંકટ ઊભું ન થાય તે માટે અત્યારથી જ સાવચેતીનાં પગલાં રૂપે આ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે ખેડૂતોને ઉપલબ્ધ જળસંપત્તિનો ખૂબ જ વિવેકપૂર્ણ અને મર્યાદિત ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. પાણીનો બગાડ સંપૂર્ણપણે અટકે તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ જેવી આધુનિક ટેકનોલોજી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓછા પાણીની આવશ્યકતા ધરાવતા વૈકલ્પિક પાકોનું વાવેતર કરવાથી ખેડૂતો જળસંકટ સામે રક્ષણ મેળવી શકશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ખેડૂતોમાં પ્રવર્તતી ગેરસમજોને દૂર કરતા મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની નિયત પદ્ધતિ મુજબ જ ખેડૂતોને સિંચાઈ માટેનું નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવશે અને સરકાર ખેડૂતોના હિત માટે હંમેશાં પ્રતિબદ્ધ છે. જો કે, કોઈપણ સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે જળ વ્યવસ્થાપન અત્યારથી જ સુચારુ રીતે કરવું અનિવાર્ય છે. તેમણે ખેડૂત ભાઈઓને અનુરોધ કર્યો હતો કે તેમના આ નિવેદનને નકારાત્મક રીતે લેવાને બદલે જળ બચાવવાના ઉમદા અભિયાન તરીકે સ્વીકારે, જેથી આગામી દિવસોમાં અન્નદાતાઓને કોઈ પણ પ્રકારની જળસંબંધી હાલાકી ન વેઠવી પડે.

LATEST ARTICLES