સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં નહિવત વરસાદના કારણે સર્જાયેલી અતિ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકાર દ્વારા પ્રદેશને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં ન આવતા ખેડૂત વર્ગમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ ગંભીર મુદ્દે વિરોધ પક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરતા આક્ષેપ કરાયો છે કે વર્તમાન શાસન ખેડૂતલક્ષી હોવાના બદલે ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી રહી છે. એક તરફ દવા, ખાતર, બિયારણ અને ખેત ઓજારોના ભાવમાં અસહ્ય વધારો ઝીંકવામાં આવ્યો છે, તો બીજી તરફ ડીએપી ખાતરની પ્રત્યેક થેલી પર પાંચસો રૂપિયાનો વધારો કરીને અન્નદાતાઓની આર્થિક કમર તોડી નાખવામાં આવી છે. આખા દેશમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવા છતાં સરકાર આંખ આડા કાન કરી રહી છે, જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લામાં માત્ર સોળ ટકા અને કલ્યાણપુર તાલુકામાં માત્ર સાત ટકા જ વરસાદ નોંધાયો હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોએ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહતો આપી છે ત્યારે ગુજરાત સરકારની ઉદાસીનતા સામે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.
પરિસ્થિતિની ગંભીરતામાં વધારો કરતા સરકારે વીજળીના પુરવઠામાં ચારથી છ કલાક સુધીનો કાપ મૂકવાની જાહેરાત કરી દીધી છે, જેને અલનીનોનું બહાનું ધરીને વાજબી ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે તદન હાસ્યાસ્પદ છે. આ ઉપરાંત વીજ કંપનીઓના નાણાકીય હિતો સાચવવા માટે નિયમો વિરુદ્ધ જઈને લાયકાત ધરાવતા ન હોય તેવા બિન ખેતીની જમીનના મુલ્યાંકનકારો પાસે ખેતીની જમીનની કિંમત નક્કી કરાવવામાં આવી રહી છે. અગાઉ ઉચ્ચ અદાલતના સ્પષ્ટ ચુકાદામાં પણ એ વાત સ્વીકારવામાં આવી છે કે બિન ખેતીના વેલ્યુઅર ખેતીની જમીનનું મૂલ્યાંકન ન કરી શકે કારણ કે ખેતીની જમીનમાં ફળદ્રુપતા, સિંચાઈની સગવડ, પાક પદ્ધતિ અને વાર્ષિક ઉપજનું વિશેષ જ્ઞાન હોવું અનિવાર્ય છે. આમ છતાં સરકારી સંસ્થાઓ દ્વારા જાણી જોઈને નિયમોનું ઉલ્લંઘન કરી ખેડૂતોના હિતો પર તરાપ મારવામાં આવી રહી છે, જેના કારણે અન્નદાતાઓની મુશ્કેલીઓમાં બેફામ વધારો થઈ રહ્યો છે.
આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આગામી ત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો અલ્ટીમેટમ સ્વરૂપે આપવામાં આવ્યો છે અને જો નિર્ધારિત સમય મર્યાદામાં પ્રદેશને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ લડતના ભાગરૂપે આગામી એકત્રીસમી ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર અને પોરબંદર એમ કુલ ત્રણ મહત્વના જિલ્લાઓમાં વિશાળ ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સંમેલનના માધ્યમથી સરકાર સામે રણશિંગુ ફૂંકીને ખેડૂતોના વીજ કાપ પાછા ખેંચવા, ખાતરના ભાવોમાં થયેલો તોતિંગ વધારો પરત ખેંચવા અને ખેતીની જમીનના ખોટા મુલ્યાંકન અટકાવવા માટે ઉગ્ર રજૂઆતો સાથે આક્રમક રણનીતિ ઘડવામાં આવશે.
