વડિયા પંથકમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર અનાજનું વહન કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. રવિવારની રજાના દિવસે વડિયાના ઇન્ચાર્જ મામલતદાર અને તેમની ટીમ દ્વારા હાથ ધરેલી અચાનક સઘન તપાસ દરમિયાન ખાખરીયા ફાટક પાસેથી એક માલવહક રિક્ષા શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવી હતી. આ વાહનની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો બિનઅધિકૃત રીતે હેરફેર થતો હોવાનું બહાર આવ્યું હતું. આ કડક કાર્યવાહીથી અનાજના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
સ્થળ પરથી ઝડપાયેલા મુદ્દામાલની વિગતવાર તપાસ કરતાં રિક્ષામાંથી ૧૪૧.૪૦ કિલોગ્રામ ચોખા અને ૨૧૯.૮૫ કિલોગ્રામ ઘઉં મળીને કુલ ૩૬૧.૨૫ કિલોગ્રામ અનાજ જપ્ત કરવામાં આવ્યું હતું. આ અનાજ ઉપરાંત વજનકાંટો અને માલવહક રિક્ષા સહિત કુલ અંદાજે પાવન હજારથી વધુ રકમનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ તમામ અનાજનો જથ્થો નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાં સુરક્ષિત રીતે સીઝ કરવામાં આવ્યો છે, જ્યારે ગેરકાયદેસર હેરફેર માટે વપરાયેલું વાહન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતું અનાજ કેટલાક લોકો જરૂરિયાત મુજબ વાપરવાના બદલે વચેટિયાઓ કે ફેરીિયાઓને વેચી નાખતા હોય છે. આ પ્રકારના ગેરકાયદેસર ખરીદ-વેચાણ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વહીવટી તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ અનાજ કયા સ્ત્રોતમાંથી આવ્યું હતું અને કઈ જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યું હતું તે અંગેના તમામ સવાલોના જવાબ મેળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદે કાર્યો પર સંપૂર્ણ લગામ લગાવી શકાય.
