આજે આસો સુદ નોમના પાવન અવસરે પાંચ હજાર વર્ષનો પ્રાચીન અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી રૂપાલની વરદાયિની માતાજીની ઐતિહાસિક પલ્લી નીકળનાર છે. પાંડવોના સમયથી ચાલી આવતી આ અદ્ભુત પરંપરાના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રૂપાલ ગામે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ માતાજીના દરબારમાં ભક્તજનોની ભારે ભીડ જામી છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની આસ્થા સાથે ભક્તો એક કિલોથી લઈને વીસ કિલો સુધીના ઘીના ડબ્બા લઈને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા છે.
પૌરાણિક માન્યતા અનુસાર મહાભારતકાળમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થાન પર શસ્ત્રો છુપાવ્યા હતા અને માતા વરદાયિનીની આરાધના કરી હતી. માતાજી પ્રસન્ન થતાં તેમણે વરદાન આપ્યું હતું, ત્યારથી આ સ્થળ વરદાયિની તરીકે વિખ્યાત થયું. આ ભવ્ય પલ્લી રથ રાત્રિના સમયે રૂપાલ ગામના વિવિધ ચોંકો અને માર્ગો પર પરિભ્રમણ કરી અંતે મંદિર પરત ફરશે. પલ્લી માર્ગ પર લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવશે, જેના કારણે રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવા અલૌકિક દ્રશ્યો સર્જાશે. આ પવિત્ર મહોત્સવમાં અશક્ત અને દિવ્યાંગ શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને ધન્યતા અનુભવી રહ્યા છે.
લાખો ભક્તોની વિશાળ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓને શાંતિપૂર્ણ રીતે દર્શનલાભ મળી રહે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા બહારથી આવતા ભક્તો માટે રહેવાની, જમવાની, વાહન પાર્કિંગની તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓની પણ ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ ભક્તોને શિસ્ત જાળવીને આ ઐતિહાસિક અને ધાર્મિક ઉત્સવનો હિસ્સો બનવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
