ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને ટીંબા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલ નામના યુવાને મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી ૧૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હોવાની અત્યંત દુખદ ઘટના સામે આવી છે. મૂળ રાજપરા ગામના વતની એવા વિશ્વરાજસિંહે આત્યંતિક પગલું ભરતા પહેલાં તેર મિનિટનો એક લાંબો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે કાયદાકીય જોગવાઈઓના દુરુપયોગ અને પારિવારિક વિવાદોને કારણે પોતે ભારે માનસિક તણાવમાં હોવાનું દર્શાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર અને પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક વિશ્વરાજસિંહના લગ્ન ચાલુ વર્ષની આઠમી ફેબ્રુઆરીના રોજ ધારાબા અજયસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમય બાદ ઘરેલુ બાબતોને લઈને મતભેદો સર્જાતા ગત બારમી સપ્ટેમ્બરના રોજ પત્ની દ્વારા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગેની અરજી કરવામાં આવી હતી. આ મામલે કાળિયાબીડ વિસ્તારમાં આવેલા સાસરી પક્ષમાં વાતચીત દરમિયાન યુવાને આવેશમાં આવીને પોતાના હાથની નસ કાપી નાખી હોવાની ઘટના પણ બની હતી, જે અંગે સસરા દ્વારા પોલીસમાં અરજી અપાઈ હતી. ત્યારબાદ ગત નવમી ઓક્ટોબરે અદાલતની કાર્યવાહીમાં હાજરી આપ્યા બાદ વિશ્વરાજસિંહ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા અને સીધા મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા જ્યાં તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું.
મૃતકે પોતાના અંતિમ વીડિયોમાં સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે લગ્નજીવનના વિવાદો બાદ કાયદાકીય પ્રક્રિયામાં તેમની સામે ખોટા અને પાયાવિહોણા કેસો કરવામાં આવ્યા છે. તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા અને અન્ય કલમો હેઠળના મોટાભાગના કેસો સાચા હોતા નથી અને તેના દ્વારા યુવાનોને માનસિક તેમજ આર્થિક રીતે પાયમાલ કરવામાં આવે છે. આ વીડિયો પરિવારજનો સુધી પહોંચ્યા બાદ ભારે દોડધામ મચી ગઇ હતી અને સ્થાનિક પોલીસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે યુવાનના મૃતદેહને ભાવનગર લાવી પાલીતાણા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
