શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પંજાબના લુધિયાણા શહેરમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી સોળ વર્ષની એક સગીર વિદ્યાર્થીણી સાથે શાળાના જ એક પટાવાળા દ્વારા અશોભનીય કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના શાળાના શિક્ષકની જ ઓફિસમાં બની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેના કારણે વાલીઓમાં અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીડિત વિદ્યાર્થીણી જ્યારે શાળાના શિક્ષકની ઓફિસમાં કોઈ પુસ્તક શોધી રહી હતી, તે દરમિયાન એકલતાનો લાભ લઈને આરોપી પટાવાળાએ તેની સાથે અડપલાં કર્યા હતા અને બળજબરીપૂર્વક તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આરામખોર પટાવાળાએ આ સમગ્ર અકૃત્યની શરમજનક હરકતો પોતાના મોબાઈલ ફોનમાં તેની મંજૂરી વગર રેકોર્ડ પણ કરી લીધી હતી. આ ઘટનાથી ડજી ગયેલી અને ભયભીત બનેલી સગીરાએ ઘરે પહોંચીને પોતાની માતાને આપવીતી કહી સંભળાવી હતી.
દીકરીની વાત સાંભળીને હચમચી ગયેલી માતાએ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ મથકે જઈને આરોપી પટાવાળા વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને નરાધમ પટાવાળાની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તેની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેણે મોબાઈલ ફોનમાં બનાવેલો વિડિયો પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે આ ઘટનાએ ગંભીર સવાલો ખડા કર્યા છે.
