JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મીર્ઝાપુરના શૂટરે પોલીસ પર કર્યા બે ભડાકા, વળતા ફાયરિંગમાં પીએસઆઈએ ‘લંગડો’ કર્યો

Oct 18, 2026 | 21:27 | By JAMNAGAR MIRROR
મીર્ઝાપુરના શૂટરે પોલીસ પર કર્યા બે ભડાકા, વળતા ફાયરિંગમાં પીએસઆઈએ ‘લંગડો’ કર્યો

શહેરને હચમચાવી મુકનારા ચકચારી દોઢ કરોડ રૂપિયાથી વધુની લૂંટ અને મર્ડર કેસમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. મુખ્ય શૂટર તરીકેની ભૂમિકા ભજવનાર ઉત્તર પ્રદેશના મીર્ઝાપુરનો આરોપી અનુરાગસિંગ રિમાન્ડ પર હતો. ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કરવા માટે પોલીસ તેને હીરાસર એરપોર્ટ નજીક આરકે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં લઈ ગઈ હતી. જ્યાં હથિયાર રિકવરીની આ કાર્યવાહી દરમિયાન આરોપીએ અચાનક પોલીસ ટીમ પર જ મૌતનો ખેલ રમીને જીવલેણ હુમલો કરી દીધો હતો, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની વિગતો મુજબ, આરોપી અનુરાગસિંગે બતાવેલી જગ્યાએથી પોલીસે બાવળની ઝાડીઓમાંથી દેશી પિસ્તોલ કબજે કરી વેપન બોક્સમાં મૂકવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન શાતિર આરોપીએ એક હાથમાં રહેલી હાથકડીની પકડ છોડાવીને પૂરતા જોરથી ધક્કો મારીને દસ-પંદર ફૂટ દૂર દોટ મૂકી હતી. ઝાડીમાં અગાઉથી સંતાડી રાખેલું બીજું હથિયાર કાઢીને તેણે પોલીસ ટીમ પર તાકી દીધું હતું અને ધમકી આપીને આડેધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધા હતા. સદ્નસીબે આ ભયાનક હુમલામાં પોલીસ કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આરોપી ત્રીજી વખત ફાયરિંગ કરવાની તૈયારીમાં હતો ત્યારે સ્થિતિની ગંભીરતા પારખીને પીએસઆઇએ સ્વબચાવમાં જવાબી ગોળીબાર કર્યો હતો.

પીએસઆઇ દ્વારા કરાયેલા વળતા ફાયરિંગમાં આરોપી અનુરાગસિંગના જમણા પગના ઘૂંટણમાં ગોળી વાગવાથી તે ઈજાગ્રસ્ત થઈને જમીન પર ઢળી પડ્યો હતો અને લંગડો બન્યો હતો. પોલીસે તાત્કાલિક માનવતા દાખવીને લોહીલુહાણ હાલતમાં પડેલા આરોપીને પ્રાથમિક સારવાર આપી હતી અને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડ્યો હતો. આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ કર્મચારી પર જાનલેવા હુમલો કરવા અને આર્મ્સ એક્ટનીકલમો હેઠળ નવો ગુનો નોંધીને પોલીસે આ ખતરનાક ગેંગ સામે કાયદેસરની કડક કાર્યવાહી વધુ સઘન બનાવી છે.

LATEST ARTICLES