JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

આરસી બુક અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તો શું પોલીસ ચલણ કાપી શકે? જાણો મહત્વના નિયમો

Oct 18, 2026 | 16:06 | By JAMNAGAR MIRROR
આરસી બુક અને આધાર કાર્ડમાં નામ અલગ હોય તો શું પોલીસ ચલણ કાપી શકે? જાણો મહત્વના નિયમો

ઘણા વાહનચાલકોના વાહન નોંધણી પ્રમાણપત્ર એટલે કે આરસી બુક અને આધાર કાર્ડમાં નામના સ્પેલિંગ અથવા પૂરા નામમાં તફાવત જોવા મળતો હોય છે. આવા સંજોગોમાં વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા મેમો અથવા ચલણ જારી થવાનો ભય વાહનચાલકોમાં સતત રહે છે. જોકે, ટ્રાફિક નિયમો અનુસાર માત્ર આધાર કાર્ડ અને આરસી બુકમાં નામ અલગ હોવાના આધારે પોલીસ ચલણ ફાડી શકતી નથી. ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસ સામાન્ય રીતે માન્ય આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન વીમો અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી) જેવા જરૂરી દસ્તાવેજો જ તપાસે છે. આ યાદીમાં આધાર કાર્ડ ફરજિયાત ન હોવાથી જો વાહનના તમામ દસ્તાવેજો માન્ય હોય તો કોઈપણ પ્રકારનો દંડ થતો નથી.

વાહન ચલાવતી વખતે ચલણ ન કપાય તો પણ નામના આ તફાવતને કારણે અન્ય મહત્વપૂર્ણ કામોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં પીયુસી કઢાવવા અથવા ઓનલાઇન પરિવહન સેવાઓનો લાભ લેવા માટે આધાર ઓટીપી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો આરસી બુક અને આધાર કાર્ડની વિગતો મેળ ન ખાતી હોય, તો પ્રક્રિયા અધવચ્ચે જ અટકી જાય છે. આ ઉપરાંત વાહનનું વેચાણ કરતી વખતે, માલિકી હક ટ્રાન્સફર કરવા, ફાઇનાન્સ કે લોન સંબંધિત કામગીરી માટે તેમજ આરટીઓમાંથી વાંધા રહિત પ્રમાણપત્ર (એનઓસી) મેળવતી વખતે બંને દસ્તાવેજોમાં એકસરખું નામ હોવું અત્યંત આવશ્યક છે.

આવી બિનજરૂરી મુશ્કેલીઓથી બચવા માટે દસ્તાવેજોમાં રહેલી ભૂલ સમયસર સુધારી લેવી હિતાવહ છે. સૌથી પહેલાં એ ચકાસો કે ભૂલ આરસી બુકમાં છે કે આધાર કાર્ડમાં. જો આરસી બુકમાં નામ ખોટું હોય, તો નજીકની આરટીઓ કચેરી અથવા સત્તાવાર પરિવહન પોર્ટલ પર પુરાવા સાથે નામ સુધારણાની અરજી કરી શકાય છે. જો આધાર કાર્ડમાં વિસંગતતા હોય, તો આધાર સેવા કેન્દ્ર પર જઈને જરૂરી સુધારો કરાવી લેવો જોઈએ. વાહન ચલાવતી વખતે તમામ દસ્તાવેજો સાથે રાખવા અથવા તેના ડિજિટલ સ્વરૂપો સુરક્ષિત રાખવા જરૂરી છે જેથી ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય.

LATEST ARTICLES