JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજ્યના ચાર જિલ્લામાં પીપીપી મોડેલ હેઠળ નવી મેડિકલ કોલેજો મંજૂર, ગરીબો માટે મફત સારવાર યથાવત રહેશે

Oct 16, 2026 | 17:08 | By JAMNAGAR MIRROR
રાજ્યના ચાર જિલ્લામાં પીપીપી મોડેલ હેઠળ નવી મેડિકલ કોલેજો મંજૂર, ગરીબો માટે મફત સારવાર યથાવત રહેશે

રાજ્ય સરકાર દ્વારા તબીબી શિક્ષણ અને જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓ—ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથમાં કાર્યરત સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે નવી બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજો સ્થાપવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામેલી ખાનગી સંસ્થાઓ હાલના સરકારી આરોગ્ય માળખા સાથે જોડાઈને આધુનિક સુવિધાઓથી સજ્જ મેડિકલ કોલેજ તેમજ અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરશે.

આ પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં અમદાવાદ સ્થિત શ્રી ગયાપ્રસાદ જૈન ચેરિટેબલ ટ્રસ્ટને જવાબદારી સોંપવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટી હેઠળના શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલને પસંદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના શ્રી ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કામગીરી હાથ ધરાશે, જ્યારે બોટાદ જિલ્લામાં મોરબીના ભડીયાદ સ્થિત ડેલ્ટા મિલેનિયમ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આરોગ્ય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ સંસ્થાઓ સ્થાનિક કક્ષાએ ઉચ્ચસ્તરીય તબીબી શિક્ષણ અને દર્દીઓ માટે વિશેષ સારવાર વ્યવસ્થા ઊભી કરશે.

સરકારે આ સંસ્થાઓ સમક્ષ જનહિતાર્થે કડક શરતો પણ મૂકી છે. હોસ્પિટલોમાં અત્યારે ઉપલબ્ધ તમામ મફત સારવાર સેવાઓ રાબેતા મુજબ ચાલુ રાખવી ફરજિયાત રહેશે. સગર્ભા મહિલાઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર અને ૨૦ દિવસથી એક વર્ષ સુધીના શિશુઓની પણ મફત સારવાર સુનિશ્ચિત કરવી પડશે. આ ઉપરાંત, દરેક હોસ્પિટલમાં ઓછામાં ઓછા ૧૦ પથારીવાળા ડાયાલિસિસ યુનિટનું સંચાલન કરવું પડશે તેમજ ગંભીર અકસ્માતના દર્દીઓને તાત્કાલિક ઇમરજન્સી સારવાર વિનામૂલ્યે આપવી પડશે. સમગ્ર વ્યવસ્થા અને સેવાની ગુણવત્તા પર ચાંપતી નજર રાખવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નવી રોગી કલ્યાણ સમિતિની રચના કરવામાં આવશે.

આ નવી પહેલથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં નિષ્ણાત તબીબોની સેવાઓ સરળતાથી સુલભ બનશે. દર્દીઓને ગંભીર બીમારીઓની સારવાર માટે મોટા શહેરો તરફ જવાની હાલાકીમાંથી મુક્તિ મળશે. સાથોસાથ રાજ્યમાં મેડિકલ અભ્યાસક્રમની બેઠકોમાં નોંધપાત્ર વધારો થશે, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને પોતાના જ પંથકમાં ડોક્ટર બનવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.

LATEST ARTICLES